May 18, 2024

બજેટ 2024ની મહત્ત્વની જાહેરાત, જાણો શું છે ખાસ

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યાં છે. નોંધનીય છે કે આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. આ વખતે નાણામંત્રી ગૃહમાં છઠ્ઠું બજેટ રજૂ કરી રહ્યા છે. મોરારજી દેસાઈ પછી સીતારમણ બીજા નાણા મંત્રી છે જેમને છ વખત બજેટ રજૂ કરવાની તક મળી છે. આ સાથે કેટલાંક નાણાકીય નિયમોમાં ફેરફાર પણ જોવામાં આવશે. દરેક બજેટની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગ અને ખેડૂત વર્ગ માટે સૌથી વધુ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. મહત્વનું છેકે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બજેટથી પ્રજાની અપેક્ષાઓ પણ વધી છે. વર્ષ 2019માં એનડીએ સરકારે ખેડૂતો અને મજૂર વર્ગ બંનેને રાહત આપી હતી.

‘દેશમાં કરદાતા 2.4 ગણા વધ્યા’
10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ત્રણ ગણું વધ્યું છે. કરદાતાઓમાં 2.4 ગણો વધારો થયો છે. દેશના વિકાસમાં કરદાતાઓના યોગદાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે કરદાતાઓની પ્રશંસા કરીએ છીએ. સરકારે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. નવી ટેક્સ સ્કીમ જે લાગુ કરવામાં આવી છે તેમાં 7 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી. કોર્પોરેટ ટેક્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ફોર્મ 26ASથી ટેક્સ ફાઇલ કરવાનું સરળ બન્યું છે. 2013-14માં 93 દિવસના બદલે હવે 10 દિવસમાં રિફંડ આપવામાં આવી રહ્યું છે. 2024-25માં કુલ ખર્ચ 47.66 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. એફડીઆઈ પર ભાર મૂકવામાં આવશે એટલે કે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા પર ભાર મુકવામાં આવશે જેથી વિકાસ પહેલા ભારતમાં આવે. રાજ્યોની સુધારા યોજનાઓ માટે 75 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી રહી છે. આ 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન હશે. આગામી 25 વર્ષ આપણા માટે કર્તવ્યકાળ છે.

‘દેશની એરલાઇન્સ કંપનીઓ ખરીદી રહી છે એક હજાર નવા પ્લેન’
દેશમાં ઉડ્ડયન ક્ષેત્ર માટે જાહેરાત કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે ‘હાલ દેશમાં 149 એરપોર્ટ છે. ‘ઉડાન’ હેઠળ ટિયર-2 અને ટિયર-3 શહેરોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ભારતની વિમાન કંપનીઓ એક હજાર નવા વિમાન ખરીદી રહી છે.

‘આ જાહેરાતો રેલવે માટે કરવામાં આવી હતી’
ઊર્જા, ખનીજ અને સિમેન્ટ માટે ત્રણ રેલવે કોરિડોર બનાવવામાં આવશે જેના કારણે ખર્ચમાં ઘટાડો થશે અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર વિકાસ દર વધારવામાં મદદ કરશે. વંદે ભારતના ધોરણો અનુસાર 40 હજાર સામાન્ય બોગી વિકસાવવામાં આવશે જેથી મુસાફરોની સલામતી અને સુવિધામાં વધારો કરી શકાય.

‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’
‘નવી ટેકનોલોજી બિઝનેસમાં મદદ કરી રહી છે. લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન, જય કિસાનનો નારા આપ્યો હતો. અટલજીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનનો નારા આપ્યો હતો. આ અંગે વધુ વિગત આપતાં પીએમ મોદીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાનનો નારા આપ્યો હતો. ટેક્નોલોજી ક્ષેત્રે રસ ધરાવનારાઓ માટે આ સુવર્ણ સમયગાળો છે. 1 લાખ કરોડનું ભંડોળ વ્યાજમુક્ત અથવા ઓછા વ્યાજ દરે વહેંચવામાં આવશે. જેથી લાંબા ગાળાની નાણાકીય મદદ મળશે અને ખાનગી ક્ષેત્રને મદદ મળશે.

મહિલાઓ માટે આ જાહેરાત કરી હતી
નવ કરોડ મહિલાઓ સાથે સંકળાયેલા 83 લાખ સ્વ-સહાયતા સમૂહોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની સફળતાએ એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનવામાં મદદ કરી છે. તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. અમે નક્કી કર્યું છે કે લખપતિ દીદી માટેનો લક્ષ્યાંક રૂપિયા 2 કરોડથી વધારીને રૂપિયા 3 કરોડ કરવામાં આવ્યો છે.

આ જાહેરાતો આરોગ્ય માટે કરવામાં આવી હતી
અમે હાલની હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વધુ મેડિકલ કોલેજો બનાવીશું. અમારી સરકાર 9 થી 14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપશે. માતૃત્વ અને બાળકના વિકાસ માટે વ્યાપક યોજના બનાવવામાં આવશે. આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે. ન્યુટ્રિશન 2.0 ના અમલીકરણને ઝડપી કરવામાં આવશે. રસીકરણને વધુ મજબૂત બનાવવામાં આવશે. આયુષ્માન ભારત અંતર્ગત તમામ આશા અને આંગણવાડી કાર્યકરોને તેના દાયરામાં લાવવામાં આવશે. ‘મધ્યમ વર્ગ માટે યોજના બનાવવામાં આવશે. ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ અને અનિયમિત મકાનોમાં રહેતા લોકોને નવું મકાન ખરીદવા અથવા બનાવવાની તક મળશે. પીએમ આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવશે. તેમાંથી આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બનવાના છે.

‘1 કરોડ ઘરોને સૌર ઉર્જાથી મફત વીજળી મળશે’
રૂફટોપ સોલાર એનર્જી દ્વારા એક કરોડ ઘરોને સૌર ઉર્જા દ્વારા દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવી શકશે. જેમાં 15-18 હજાર રૂપિયાની બચત થશે. બીજી બાજુ ઈ-વાહનોને ચાર્જ કરવા માટે મોટા પાયે ઇન્ટોલેશન કરવામાં આવશે જેના કારણે વેન્ડરોઓને કામ મળશે.

’38 લાખ ખેડૂતોને પીએમ કિસાન સંપદા યોજનાનો લાભ મળ્યો’
‘પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને ફાયદો થયો છે અને 10 લાખ રોજગારીની તકો ઊભી થઈ છે. ઉપજ પછીના નુકસાનને રોકવા માટે પણ યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. અને કૃષિ ઉપજ પછીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ખાનગી અને જાહેર ક્ષેત્રની ભાગીદારીને મજબૂત કરીશું. આત્મનિર્ભર તેલ બીજ અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ અંતર્ગત નવી કૃષિ ટેકનોલોજી અને કૃષિ વીમાને પ્રોત્સાહન આપવામાં આવશે. ડેરી સાથે સંકળાયેલા ખેડૂતોને પણ મદદ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મત્સ્ય સંપદા યોજના દ્વારા ઉત્પાદકતા પ્રતિ હેક્ટર ત્રણથી પાંચ ટન સુધી વધારવામાં આવશે. 55 લાખ નવી રોજગારીની તકો ઉભી થશે. પાંચ એક્વા પાર્ક પણ બનાવવામાં આવશે.

ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર ખૂબ જ મહત્વપૂર્ણ
સંસદમાં બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ કોરિડોરએ ભારત અને અન્ય દેશો માટે પણ પરિવર્તનકારી પગલું છે.’ નાણામંત્રીએ કહ્યું, ‘કોવિડ હોવા છતાં, અમે પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 3 કરોડ મકાનોનું નિર્માણ પૂર્ણ કર્યું. આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે.

લઘુત્તમ સરકાર મહત્તમ શાસન અભિગમ સાથે વહીવટ’
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના વચગાળાના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, ‘અમારી સરકારે નાગરિક પ્રથમ અને લઘુત્તમ સરકાર મહત્તમ શાસન અભિગમ સાથે જન કેન્દ્રિત અને વિશ્વાસ આધારિત શાસન પ્રદાન કર્યું છે. અમૃતકાળ માટે સરકારે એવી આર્થિક નીતિઓ અપનાવવી જોઈએ જે ટકાઉ વિકાસ, બધા માટે તકો, ક્ષમતા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ સાથે અમે સુધારાના આગળના તબક્કાની શરૂઆત કરીશું. સમયસર નાણાકીય સહાય, સંબંધિત ટેકનોલોજી, MSMEને સશક્તિકરણ જેવા પાસાઓ પર નવી નીતિઓ દ્વારા કામ કરવામાં આવશે. અમે ઉર્જા સુરક્ષા પર પણ કામ કરીશું.

‘મહિલાઓને 10 વર્ષમાં 30 કરોડ મુદ્રા યોજના લોન અપાઈ’
સંસદમાં બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં 30 કરોડ મુદ્રા યોજના લોન મહિલાઓને આપવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને 70% મકાનો આપવામાં આવ્યા છે. વધુમાં કહ્યું કે લોકો સારી રીતે જીવી રહ્યા છે અને સારી આવક મેળવી રહ્યા છે. મોટા પ્રોજેક્ટ અસરકારક રીતે અને સમયસર પૂરા થઈ રહ્યા છે. GSTએ એક દેશ, એક બજાર અને એક ટેક્સની ધારણાને મજબૂત કર્યો છે.

‘ગરીબોનું કલ્યાણ, દેશનું કલ્યાણ’
ગરીબોનું કલ્યાણ, દેશનું કલ્યાણ, આ મંત્ર સાથે અમે કામ કરી રહ્યા છીએ. ‘સબકા સાથ’ના ઉદ્દેશ્ય સાથે અમે 25 કરોડ લોકોને વિવિધ પ્રકારની ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. અમે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.

મહિલાઓ, યુવાનો, ગરીબો, અન્નદાતા પર ફોકસ
નાણામંત્રીએ કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં અમે બધા માટે આવાસ, દરેક ઘર માટે પાણી, બધા માટે બેંક ખાતા જેવા કામો રેકોર્ડ સમયમાં પૂર્ણ કર્યા છે. 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું છે. ખેડૂતોની ઉપજના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. સંસાધનોનું વિતરણ પારદર્શિતા સાથે કરવામાં આવ્યું છે. અમે અસમાનતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે જેથી સામાજિક પરિવર્તન લાવી શકાય. પીએમ નરેન્દ્ર મોદીના મતે ગરીબ, મહિલા, યુવાનો અને ખેડૂતો આ ચાર જાતિઓ છે જેના પર અમારું ખાસ ધ્યાન છે. તેમની જરૂરિયાતો, તેમની આકાંક્ષાઓ આપણા માટે મહત્વપૂર્ણ છે.

બજેટ 2024 : નાણામંત્રીએ કરેલી વાતો

  • 2023માં આવકવેરાના સ્લેબમાં કરવામાં આવ્યો હતો ફેરફાર
  • રુફટોપ સોલારાઇઝેશન
  • લખપતિ દીદી યોજના
  • સર્વાઇકલ કેન્સર રોકવા રસીકરણ
  • 2 કરોડ નવા ઘરો બનાવશે
  • સબકા સાથ સબકા વિકાસ પર કામ કરી રહી છે મોદી સરકાર
  • 2047 સુધી ભારત બનશે વિકસિત રાષ્ટ્ર
  • મોદી સરકારે ખેડૂતોને મજબૂત કર્યા
  • 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા
  • વર્ષો જૂના ટેક્સ વિવાદના મામલા પરત લેવામાં આવશે
  • જનતાને હાલ ટેક્સમાં રાહત નહી મળે
  • વર્ષ 2014 પહેલાના દરેક પડકારમાંથી બહાર આવ્યા
  • સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપશે
  • સરકારે રૂ. 11.1 લાખ કરોડનું કેપેક્સ જાહેર કર્યું
  • ઉડ્ડયન ક્ષેત્રની કાયાપલટ થઈ છે
  • ઇ-બસને ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સ્થાન મળશે
  • 40 હજાર રેલગાડીના ડબ્બાને વંદે ભારતમાં બદલવામાં આવશે
  • અર્થવ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યા છે
  • મછલીપાલનને પ્રોત્સાહન મળશે
  • એક કરોડ ઘરોને 300 યૂનિટ સોલર વીજળી ફ્રી
  • 3 કરોડ ઘર બન્યા, હજુ 2 કરોડ વધુ ઘર બનાવીશુ
  • મહિલા આરક્ષણ, ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ
  • લોકોની સરેરાશ આવકમાં 50 ટકાનો વધારો થયો છે
  • દેશમાં 7 નવી IIT, 7 નવી IIM બનાવવામાં આવી.
  • 34 લાખ કરોડ ગરીબોના ખાતામાં ટ્રાન્સફર થયા
  • વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને મળી શકે છે રાહત

સરકારે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સાથે કામ કર્યું
‘દેશને એક નવો ઉદ્દેશ અને નવી આશા મળી. જનતાએ ફરી સરકારને જંગી જનાદેશ સાથે ચૂંટ્યો. અમે બેવડા પડકારો સ્વીકાર્યા અને સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મંત્ર સાથે કામ કર્યું. અમે સામાજિક અને ભૌગોલિક સમાવેશ સાથે કામ કર્યું. ‘સબકા પ્રયાસ’ ના મંત્ર સાથે આપણે કોરોનાકાળનો સામનો કર્યો અને અમૃતકાળમાં પ્રવેશ કર્યો. આપણા યુવા દેશ પાસે હવે મોટી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ છે.

નાણામંત્રીએ બજેટ ભાષણ શરૂ કર્યું
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું છે. નાણામંત્રીએ કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં અર્થવ્યવસ્થામાં ઘણો વિકાસ થયો છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તે આગળ વધ્યું છે. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે અનેક પડકારો હતા. સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે સરકારે આ પડકારોનો સામનો કર્યો. લોકકલ્યાણની યોજનાઓ અને વિકાસ અમારા સુધી પહોંચ્યો.

‘આ વચગાળાનું બજેટ છે અને તેની કેટલીક મર્યાદાઓ છે’
IMC ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ સમીર સોમૈયાએ જણાવ્યું હતું કે, ‘આ વચગાળાનું બજેટ છે અને તેની કેટલીક મર્યાદાઓ છે, પરંતુ તે સરકારની પ્રાથમિકતાઓ વિશે ખ્યાલ આપશે. આપણી પાસે યુવા વસ્તી છે અને આપણે તેમને કૌશલ્ય બનાવવાની જરૂર છે. સંરક્ષણ, અવકાશ અને કૃષિ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ બનાવવાની જરૂર છે જેથી દેશની અર્થવ્યવસ્થા 6.5 ટકા અથવા તેનાથી પણ વધુ ઝડપે વિકાસ કરી શકે.

બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાતો થઈ શકે છે
IMFના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું કે ‘સંપૂર્ણ બજેટ ચૂંટણી પછી જૂન અથવા જુલાઈમાં લાવવામાં આવશે. આ બજેટમાં વધુ જોગવાઈઓ નહીં હોય. અર્થવ્યવસ્થા ખૂબ સારી સ્થિતિમાં છે અને 7.3 ટકાની ઝડપે વૃદ્ધિ કરી શકે છે. અગાઉના વર્ષોમાં સરકારે જે કંઈ કર્યું છે તેને આગળ લઈ જઈ શકાય છે. બજેટમાં મહિલાઓ માટે ખાસ યોજનાઓની જાહેરાત થાય તેવી સંભાવના છે.