પાલનપુરમાં વોન્ટેડ આરોપીના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું

પાલનપુર: બનાસકાંઠામાં અસામાજિક તત્વો અને ગેરકાયદેસર દબાણો પર પોલીસની કાર્યવાહી ચાલુ છે. ગઈકાલે પણ જિલ્લામાં 70થી વધારે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા, તો 20 જેટલા ગુના પણ દાખલ કરાયા હતા. ત્યારે પોલીસે માથાભારે તત્વો, અસામાજિક તત્વો, લોકોને પરેશાન કરે છે તેવા બુટલેગરોના દબાણ પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે.
પાલનપુરના સોનપતિ હનુમાન વિસ્તારમાં રહેતા સાગર દેસાઈ નામના ઇસમના ગેરકાયદેસર દબાણ પર પાલનપુર પોલીસે આજે બુલડોઝર ફેરવી દીધું હતું. સાગર દેસાઈ કે જે અત્યારે વોન્ટેડ છે અને અનેક ગુનામાં સંડોવાયેલો છે. ખંડની ધાક ધમકી લોકોને ડરાવવા તે પ્રકારના ગુના પણ તેની પર દાખલ છે. ત્યારે પાલનપુર પૂર્વ પોલીસે આજે કડકાઈથી કામ લઈ અને જે ગેરકાયદેસર દબાણ કર્યું હતું તે મકાન પર બુલડોઝર ફેરવ્યું છે. તેમજ તેના પાણી અને લાઈટના કનેક્શન પણ કાપી લેવામાં આવ્યા છે.
જોકે સોનપતિ હનુમાન વિસ્તાર આ ઈસમના ત્રાસથી ત્રસ્ત હતો અને પોલીસની આ કામગીરીથી આ વિસ્તારના લોકો પણ ખુશ થયા છે. ત્યારે અસામાજિક તત્વો પર પોલીસે જે કોરડો વિંજ્યો છે તેનાથી લોકોમાં એક પ્રકારની સુરક્ષિતા પણ અનુભવ રહી છે. ત્યારે હજુ પણ પાલનપુર સહિત જિલ્લામાં ગેરકાયદેસર દબાણો અસમાજીક તત્વોને કડક હાથે ડામી દેવાની પોલીસ પ્રક્રિયા થઈ રહી છે.