May 17, 2024

GSTનું થયું બમ્પર કલેક્શન, સરકારના ખજાનામાં આવ્યા 1.78 લાખ કરોડ

અમદાવાદ: નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ મહીનામાં GST કલેક્શનમાં 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયા થયું છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર ઘરેલુ વસ્તુઓનું વેચાણ વધવાના કારણે માર્ચમાં જીએસટી કલેક્શનમાં વધારો થયો છે. આ કલેક્શન અત્યાર સુધીનું બીજી વખતનું સૌથી વધુ કલેક્શન છે. અત્યાર સુધીનું સૌથી વધારે GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે.

આ વર્ષે આટલી કમાણી કરી
માર્ચમાં કલેક્શનમાં વધારા સાથે સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ GST કલેક્શન 20.14 લાખ કરોડ રૂપિયા થયું. જે નાણાકીય વર્ષ 2022-23 કરતાં 11.7 ટકા વધુ છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું, જે એક વર્ષ અગાઉ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ હતું.

આ પણ વાંચો: કોઇ બાંધછોડ નહીં કરીએ… LAC પર ચીનને ભારતનો સ્પષ્ટ જવાબ

નાણાં મંત્રાલયે માહિતી આપી
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે માર્ચ 2024 માટે GSTની કુલ આવકમાં વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયાનું બીજું સૌથી વધુ કલેક્શન જોવા મળ્યું હતું. સ્થાનિક વ્યવહારોમાં 17.6 ટકાના વધારાને કારણે કર વસૂલાતમાં આ ઉછાળો નોંધાયો હતો. માર્ચ મહિનામાં રિફંડ પછી GSTની ચોખ્ખી આવક રૂ. 1.65 લાખ કરોડ હતી. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 18.4 ટકા વધુ છે.

જાન્યુઆરીમાં પૈસાનો વરસાદ થયો
GSTએ જાન્યુઆરીમાં કેન્દ્ર સરકાર પર પૈસાનો વરસાદ કર્યો હતી. જાન્યુઆરી 2024માં સરકારનું કુલ GST કલેક્શન 1,72,129 કરોડ રૂપિયા હતું. જે જાન્યુઆરી 2023માં રૂ. 1,55,922 કરોડના કલેક્શન કરતાં 10.4 ટકા વધુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી જાન્યુઆરી વચ્ચે સરકારનું GST કલેક્શન 11.6 ટકા વધીને 16.69 લાખ કરોડ રૂપિયા થયું છે, જ્યારે અગાઉના નાણાકીય વર્ષ 2022-23ના સમાન સમયગાળામાં સરકારનું GST કલેક્શન 14.96 લાખ કરોડ રૂપિયા હતું.