બાળકોને રૂપિયા 100માં નશાનું ઈન્જેક્શનનું વેચતા, પોલીસે દબોચી લીધા
મિહિર સોની, અમદાવાદ: નશાના ઇન્જેક્શનના કારોબારનો પર્દાફાશ થયો છે. ઇસનપુર પોલીસે AVIL ઇન્જેક્શનનું વાઇલ અને નિડલનું વેચાણ કરનાર 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ બાળકોને રૂપિયા 100માં નશાનું ઈન્જેક્શનનું વેચાણ કરતા હતા. નશાના નેટવર્કમાં એક મહિલા માસ્ટર માઈન્ડ હોવાનું ખુલ્યું છે.
500 રૂપિયા મજૂરી આપી
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીઓ સોહેલ સલીમભાઈ શેખ અને હાર્દિક કાંતિલાલ ઝાલાવાડિયાની નશાના ઇન્જેક્શનના વેચાણ કેસમાં ઇસનપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ રૂ 100માં નશાના ઈન્જેક્શન બાળકો અને નશો કરતા લોકોને વેંચતા હતા. ઇસનપુર પોલીસને બાતમીના આધારે શાહઆલમથી સોહિલ શેખને AVIL ઇંજેક્શન વેંચતા રંગે હાથ ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે AVIL ઈન્જેક્શનની 56 વાઈલ, 44 નીડલ કબ્જે કરાયું છે. આરોપી સોહેલને કલીમ ઉર્ફે ભૈયા પઠાણની પત્ની નાઝીયાએ મજૂરી પર રાખ્યો હતો અને ઈન્જેકશન વેચવા માટે રોજની 500 રૂપિયા મજૂરી આપી વેચાણ કરાવતી હતી. આ ઈન્જેકશન બાળકો અને યુવકોને વેચવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો: Year Ender 2024: રાજકારણમાં આ મહિલાઓ વર્ષ દરમિયાન રહી સૌથી વધુ ચર્ચામાં
ઇન્જેક્શન એલર્જીની સારવાર માટે ઉપયોગ
પોલીસે તપાસમાં સામે આવ્યું કે નશાના કારોબારની માસ્ટર માઈન્ડ મહિલા આરોપી નાઝિયા છે. નાઝીયાએ આ ઈન્જેક્શન અને નીડલનો જથ્થો બાપુનગરમાં કર્ણાવતી ફાર્માના માલિક હાર્દિક ઝાલાવાડિયા પાસેથી લાવવામાં આવ્યો હતો. જેથી ઈસનપુર પોલીસે સોહેલ શેખ અને હાર્દિક ઝાલાવડીયાની ધરપકડ કરી છે. આ આરોપીઓ બાળકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ બાળકો દ્વારા બાળકોને આ ઇન્જેક્શન 100 રૂપિયામાં નશા માટે આપતા હતા. મહત્વનું છે કે આરોપી કલીમ પઠાણ મારામારી અને અન્ય ગુના હેઠળ પાસામાં જેલમાં છે. જોકે કલીમની પત્ની નાઝિયા પઠાણ બીમાર હોવાથી પોલીસે નોટીસ આપીને તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે પકડાયેલ ઇન્જેક્શન એલર્જીની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઇસનપુર પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કલમ 77, 78 તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુન્હો નોંધીને બંને આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવશે.