November 23, 2024

ખાલિસ્તાની હુમલા બાદ ભારતે ટોરોન્ટોમાં રદ્દ કર્યો કોન્સ્યુલર કેમ્પ, સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય

Canada: કેનેડા અને ભારત વચ્ચે તણાવ વધી રહ્યો છે. ખાલિસ્તાની આતંકવાદીઓએ બ્રેમ્પટનમાં હિન્દુ મંદિરને નિશાન બનાવ્યા બાદ ભારતે હાલમાં ટોરોન્ટોમાં કોન્સ્યુલર કેમ્પ રદ કરી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોન્સ્યુલર કેમ્પ એ એક પ્રકારની નિયમિત કામગીરી છે. કેનેડામાં ભારતીય રાજદ્વારી મિશન ઓટાવામાં હાઈ કમિશન તેમનું આયોજન કરે છે. વાનકુવર અને ટોરોન્ટોમાં કોન્સ્યુલેટ આવા કેમ્પનું આયોજન કરે છે. કોન્સ્યુલર કેમ્પ દ્વારા ભારતીય નાગરિકોને દસ્તાવેજો અને પ્રમાણપત્રો બનાવવામાં મદદ કરવામાં આવે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટોરોન્ટોમાં કોન્સ્યુલર કેમ્પ રદ કરવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું, “તમે ટોરોન્ટોમાં અમારા કોન્સ્યુલેટના મેસેજ પોસ્ટ્સ જોયા જ હશે. તેઓએ કહ્યું કે સુરક્ષા કારણોસર કોન્સ્યુલર કેમ્પને રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો. કારણકે કેનેડા સરકાર દ્વારા આ કેમ્પ માટે પૂરતી સુરક્ષા આપવામાં આવી ન હતી. “

ભારતીય કોન્સ્યુલેટ પોસ્ટે જણાવ્યું હતું કે, “સમુદાય શિબિર આયોજકોને લઘુત્તમ સુરક્ષા પ્રદાન કરવામાં સુરક્ષા એજન્સીઓની અસમર્થતાને ધ્યાનમાં રાખીને કોન્સ્યુલેટે કેટલાક સુનિશ્ચિત કોન્સ્યુલેટ કેમ્પને રદ કરવાનો નિર્ણય લીધો છે.” કોન્સ્યુલર કેમ્પ ટોરોન્ટો નજીક બ્રેમ્પટનમાં હિન્દી સભા મંદિરની બહાર આયોજિત થવાનો હતો. રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ મંદિરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ બે કર્મચારી ફરજમુક્ત, ITIના બે આચાર્ય ઘરભેગા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ‘ઇરાદાપૂર્વકનો હુમલો’ ગણાવીને નારાજગી વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું હતું કે આ પ્રકારના હુમલા ભારતના રાજદ્વારી મિશનના ઈરાદાઓને કમજોર કરી શકશે નહીં. કેનેડામાં ભારતીય હાઈ કમિશને બ્રેમ્પટનમાં થયેલા હિંસક હુમલાને લઈને એક નિવેદન જાહેર કર્યું હતું અને તેની નિંદા કરી હતી.

“ભારત વિરોધી તત્વોના આ પ્રયાસો છતાં અમારું કોન્સ્યુલેટ ભારતીય અને કેનેડિયન અરજદારોને 1000 થી વધુ જીવન પ્રમાણપત્રો જારી કરવામાં સક્ષમ હતું,” ભારતીય કોન્સ્યુલેટે જણાવ્યું હતું. ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે અમે ભારતીય નાગરિકો સહિત અરજદારોની સુરક્ષાને લઈને પણ ખૂબ જ ચિંતિત છીએ. જેમની માગ પર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.