January 8, 2025

જસ્ટિન ટ્રુડોનું કેનેડાના PM પદેથી રાજીનામું, આવી સ્થિતિ કેમ સર્જાઈ?

ઓટાવાઃ છેવટે જે ધાર્યું હતું તે થયું. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના કર્મોનું પરિણામ ભોગવવું પડ્યું છે. તેમણે સોમવારે કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લિબરલ પાર્ટીમાં આંતરિક અસંતોષ અને લોકપ્રિયતામાં ઘટાડાને કારણે જસ્ટિન ટ્રુડોને આ પગલું ભરવાની ફરજ પડી હતી.

કેનેડાના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, શાસક લિબરલ પાર્ટીના આગામી નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કાર્યકારી વડાપ્રધાન રહેશે. અધિકારીએ ગોપનીયતાની શરતે જણાવ્યું હતું કે, દેશની સંસદનું સત્ર 27 જાન્યુઆરીથી શરૂ કરવાનો પ્રસ્તાવ હતો. હવે રાજીનામાના કારણે સંસદની કાર્યવાહી 24 માર્ચ સુધી સ્થગિત રહેશે.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું, ‘હું પાર્ટીના નેતા અને પાર્ટી તેના આગામી નેતાની પસંદગી કરે પછી વડાપ્રધાન તરીકે રાજીનામું આપવા માગું છું… ગઈકાલે રાત્રે મેં લિબરલ પાર્ટીના અધ્યક્ષને તે પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે.’

નામ જાહેર ન કરવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે, લિબરલ પાર્ટી 24 માર્ચ સુધીમાં તેના નવા નેતાની પસંદગી કરશે. રાજકીય ઉથલપાથલ વચ્ચે કેનેડામાં સામાન્ય ચૂંટણી ક્યારે યોજાશે તે સ્પષ્ટ નથી.

નોંધનીય છે કે, જસ્ટિન ટ્રુડો 2015માં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર પડી ગયા બાદ વડાપ્રધાન બન્યા હતા. છેલ્લા 10 વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા ટ્રુડો શરૂઆતના દિવસોમાં ખૂબ જ લોકપ્રિય હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ ટીકાકારોના નિશાના પર છે.

5 જાન્યુઆરીના રોજ એક સૂત્રએ જણાવ્યું હતું કે, તેઓ અપેક્ષા રાખે છે કે નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો પદ પર રહેશે. લિબરલ પાર્ટીના એક સૂત્રએ કહ્યું કે, આગામી નેતા નક્કી કરવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગશે. જો કે પાર્ટીના બંધારણમાં ઓછામાં ઓછા ચાર મહિનાની જોગવાઈ છે.