August 8, 2024

રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ ડેન્ગ્યુ, મેલેરિયા સહિત કોલેરાનો આતંક

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા રોગચાળાએ માથું ઉચકયું છે. હાલ રાજ્યમાં ચોમાસાની સીઝનના કારણે પાણીજન્ય અને વાહજન્ય રોગચાળોના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિત કોલેરાએ આતંક મચાવ્યો છે. હાલમાં રાજ્યના આરોગ્ય વિભાગે આ રોગચાળાને રોકવા માટે કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનનો આરંભ થતા દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં મોટાભાગની કોર્પોરેશન વિસ્તારમાં દૂષિત પાણીના કારણે લોકો કોલેરાના શિકાર થઈ રહ્યા છે. ત્યારે રાજ્યના 9 જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં કોલેરાના કુલ 22 કેસો જોવા મળ્યા છે. કોલેરાના કેસો દેખા દેતા આરોગ્ય વિભાગે જે તે વિસ્તારમાં સર્વેલન્સ શરૂ કરીને કામગીરી તેજ કરી છે. હાલમાં જે જે વિસ્તારમાં કોલેરાના કેસો સામે આવી રહ્યા છે ત્યાં લોકોને શુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બજારમાં વેચાતા ખુલ્લા ખોરાક ન ખાવા માટે પણ તંત્ર લોકોને અપીલ કરી રહ્યું છે.

આ પણ વાંચો: ધારાગઢ સામૂહિક આપઘાત કેસમાં પઠાણી ઉઘરાણી જવાબદાર

બીજી તરફ ચોમાસના કારણે વાહજન્ય રોગચાળો પણ માથું ઊંચકી રહ્યો છે. રાજ્યમાં હાલ ચોમાસાના કારણે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસો વધી રહ્યા છે. આ ઉપરાંત ઝાડા-ઉલટીના કેસો 500થી વધુ સરકારી ચોપડે નોંધાયા છે. ત્યારે ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે ડેન્ગ્યુના કેસો વધ્યા છે. હાલ રાજ્યમાં ડેન્ગ્યુનો આંક 1000ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મચ્છરના ઉપદ્રવના કારણે મેલેરિયાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગને ચિંતા છે કે ડેન્ગ્યુના કેસો જે રીતે સામે આવી રહ્યા છે તેમ રોકવા માટે તંત્ર દ્રારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ, બરોડા, ગાંધીનગર, જામનગર, સુરત અને ભાવનગર મનપા વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો વધુ પડતા સામે આવતા બાંધકામ સાઈડ સહિત જ્યાં આગળ પાણી ભરાયા છે તે જગ્યાઓએ સાફ કરીને સતત દવાઓનો છટકાવ કરવામાં આવી રહ્યો છે.