January 18, 2025

14 ફેબ્રુઆરી સુધીમાં 10મા અને 12મા ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક્સ અપલોડ કરે, CBSEએ શાળાઓને આપી સૂચનાઓ

CBSE Board Exam 2025: CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)એ દેશભરની તમામ શાળાઓ માટે એક નોટિસ જારી કરી છે. જેમાં CBSEએ તમામ શાળાઓને સૂચના આપી હતી કે વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા 2025ની તમામ પ્રેક્ટિકલ પરીક્ષાઓના માર્ક્સ 14 ફેબ્રુઆરી, 2025 સુધીમાં CBSE પોર્ટલ પર અપલોડ કરવામાં આવે. બોર્ડે શાળાઓને અપલોડ કરતા પહેલા તમામ ડેટા કાળજીપૂર્વક તપાસવા અને અપલોડ કરવામાં આવી રહેલી પ્રેક્ટિકલ પરીક્ષાઓના માર્ક્સને યોગ્ય રીતે ચિહ્નિત કરવા વિનંતી પણ કરી છે.

પોર્ટલ પર અપલોડ કરાયેલા માર્ક્સ પછીથી બદલાશે નહીં
CBSE એ તેની સત્તાવાર સૂચનામાં જણાવ્યું હતું કે, “મોટાભાગની શાળાઓ બોર્ડ પરીક્ષા -2024-25 માટે પ્રેક્ટિકલ/પ્રોજેક્ટ/આંતરિક મૂલ્યાંકન કરી રહી છે અને CBSE પોર્ટલ પર તેના માટે માર્ક્સ અપલોડ કરી રહી છે.” ધોરણ 12ના વિદ્યાર્થીઓના આંતરિક ગ્રેડ અપલોડ કરવા માટેનું પોર્ટલ 15 જાન્યુઆરી, 2025થી 14 ફેબ્રુઆરી, 2025 સુધી સક્રિય રહેશે.” નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “ફરી એક વાર એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે પ્રેક્ટિકલ/આંતરિક મૂલ્યાંકન/પ્રોજેક્ટ/આંતરિક ગ્રેડના ગુણ આપતી/અપલોડ કરતી વખતે, શાળાની જવાબદારી રહેશે કે તેઓ ખાતરી કરે કે આપવામાં આવેલા/અપલોડ કરાયેલા ગુણ/ગ્રેડ સાચા છે.” અને સર્વર પર અપલોડ થયા પછીના ગુણ અંતિમ રહેશે અને ત્યારબાદ કોઈ સુધારો કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

શાળાઓને આ સૂચનાઓ આપવામાં આવી હતી
CBSEએ 1 જાન્યુઆરી, 2025થી સત્ર 2024-25 માટે ધોરણ 10/12 માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ/આંતરિક મૂલ્યાંકનો/પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા. પરીક્ષાઓ નિર્ધારિત સમયમર્યાદા મુજબ 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી, 2025 દરમિયાન લેવામાં આવશે. CBSEએ અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે જો એવું જાણવા મળે કે શાળાએ CBSE દ્વારા નિયુક્ત ન કરાયેલા અન્ય કોઈ બાહ્ય પરીક્ષકનો ઉપયોગ કરીને પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજી છે, તો ઝીરો અથવા અમાન્ય ગણવામાં આવશે.