February 24, 2025

IND vs PAK: બે મેચ… બે ભારતીય સ્પિનરો હેટ્રિક ચૂક્યાં, અક્ષર પટેલ-કુલદીપનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં કમાલ

IND vs PAK Champions Trophy 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ ચાલી રહી છે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 49.4 ઓવરમાં 241 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ તે હેટ્રિક ચૂકી ગયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ સતત બીજી મેચ છે જેમાં કોઈ ભારતીય બોલર હેટ્રિક ચૂકી ગયો હોય. આ પહેલા અક્ષર પટેલ બાંગ્લાદેશ સામે હેટ્રિક ચૂકી ગયો હતો. આ સાથે બંનેએ ટીકાકારોને પણ જવાબ આપ્યો કે, પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે ટીમમાં પાંચ સ્પિનરો કેમ રાખ્યા છે.

બાંગ્લાદેશ સામે અક્ષર હેટ્રિક ચૂક્યો હતો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની પહેલી મેચમાં અક્ષર હેટ્રિક ચૂકી ગયો હતો. બાંગ્લાદેશની ઇનિંગની નવમી ઓવરમાં અક્ષર બોલિંગ કરવા આવ્યો હતો. આ તેની પહેલી ઓવર હતી. તેણે ઓવરના બીજા બોલ પર બાંગ્લાદેશને ઝટકો આપ્યો હતો. તેણે તંજીદ હસનને આઉટ કર્યો હતો. ત્યારપછી તેણે બીજા જ બોલ પર મુશફિકુર રહીમની વિકેટ લીધી હતી. રહીમ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. અક્ષર હેટ્રિકથી માત્ર એક વિકેટ દૂર હતો. આ ડાબોડી બોલરે ચોથો બોલ બહાર ફેંક્યો અને ઝાકિર અલીએ આગળ વધીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેટને અડીને સીધો પ્રથમ સ્લિપમાં ઉભેલા રોહિત શર્મા પાસે ગયો હતો. હિટમેને આ કેચ પકડવાનો પ્રયાસ કર્યો પણ તે ચૂકી ગયો હતો. પોતાની ભૂલને કારણે અક્ષર ત્રીજી વિકેટ લઈ શક્યો નહોતો.

કુલદીપ પાકિસ્તાન સામે હેટ્રિક ચૂક્યો હતો
પાકિસ્તાનની ઇનિંગની 43મી ઓવરમાં કુલદીપ યાદવનો સ્પિન જાદુ કામ કરી ગયો છે. તેણે ઓવરમાં સતત બે બોલમાં બે વિકેટ લીધી હતી. ઓવરના ચોથા બોલ પર કુલદીપે સલમાન અલી આગાને જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે ફક્ત 19 રન જ બનાવી શક્યો હતો. ત્યારપછી શાહીન આફ્રિદી બીજા બોલ પર LBW આઉટ થયો હતો. તે ખાતું ખોલાવી શક્યો નહીં. બીજા બોલ પર નસીમ શાહ સ્ટ્રાઈક પર હતો પણ તેણે બોલને ઓફ સાઇડની બહાર ટેપ કરીને કુલદીપને હેટ્રિકથી વંચિત રાખ્યો હતો.

પાંચ સ્પિનરો રાખવા પર પ્રશ્નો ઉભા થયા હતા
ભારતે અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ચાર સ્પિનરોની પસંદગી કરી હતી. ત્યારબાદ યશસ્વી જયસ્વાલને પડતો મુકાયા બાદ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ અંગે ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેમને નિશાન બનાવ્યા હતા. તેમનું માનવું હતું કે, દુબઈની વિકેટ ધીમી છે અને ઝડપી બોલરો મદદરૂપ થશે. ભારત ક્યારેય ચાર સ્પિનરો સાથે નહીં રમે. આવી સ્થિતિમાં ઝડપી બોલિંગ માટે બેકઅપ હોવું જોઈએ. જો કે, હવે અક્ષર, કુલદીપ અને જાડેજાએ સાબિત કરી દીધું છે કે શા માટે પાંચ સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દુબઈમાં બોલ ખૂબ જ ગતિશીલ છે અને સ્પિનરો મેચને સંપન્ન કરવામાં સફળ રહ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં પણ સ્પિનરોનો જાદુ જોવા મળ્યો હતો. બાંગ્લાદેશી સ્પિનરોએ પણ સારી બોલિંગ કરી હતી.