July 2, 2024

સંખેડામાં વિધવા મહિલાના ઘરમાં પાણી ઘૂસ્યાં, ઘરવખરી પળી જતા મોટું નુકસાન

છોટા ઉદેપુરઃ જિલ્લાના સંખેડા તાલુકાના સિંહાદ્રા ગામમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. માર્ગ અને મકાન પેટા વિભાગ સંખેડાની ઘોર બેદરકારીના કારણે ઘરમાં પાણી ઘૂસ્યાં છે. સિંહાદ્રા ગામમાં વિધવા મહિલાના ઘરમાં વરસાદી પાણી ઘૂસતા તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, રાયલીબેન નરસિંહભાઇ ભીલનાં ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વિધવા મહિલા ઘરમાં એકલા જ રહે છે. ત્યારે ઘરમાં પાણી ઘૂસતા તેમની માથે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઘરમાં રહેલું અનાજ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ પાણીમાં પલળી ગઈ છે. વરસાદી પાણી ભરાતા ગામલોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે આ વરસાદી પાણીનો નિકાલ કરવા ગ્રામજનોની માગ કરી છે.

આ પણ વાંચોઃ સવારે 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સંખેડામાં 1.2 ઇંચ

સવારે 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના ત્રણ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 52 તાલુકામાં છેલ્લા બે કલાકમાં 1 ઈંચથી ઓછો વરસાદ થયો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યમાં સૌથી વધુ સંખેડા તાલુકામાં વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. હાલોલ અને કરજણ તાલુકામાં નોંધાયો 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યના અનેક જિલ્લામાં મેઘો મહેરબાન, રાજકોટમાં કલાકમાં 1 ઇંચ વરસાદ

24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો
રાજ્યના છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 11 તાલુકામાં પોણા 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 89 તાલુકામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં ખાબક્યો છે. ત્યાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં ખંભાળિયામાં પોણા 3 ઈંચ, સંખેડા તાલુકામાં અઢી ઈંચ, ડાંગના સુબિર તાલુકામાં અઢી ઈંચ, તાલાલામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

કચ્છના મુંદ્રામાં અને જૂનાગઢ શહેર તેમજ તાલુકામાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. વંથલી, કાલાવાડ, બોટાદ, વિસાવદર તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના પાલિતાણામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. લોધીકા, સાવરકુંડલા, ટંકારા, વાલીઆ, બોડેલીમાં દોઢ ઈંચ વરસાદ છે. માંગરોળ, નેત્રંગ, માળીયા હાટીના તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.