છોટા ઉદેપુરમાં બાળકીની હત્યા મામલે ખુલાસો, માનસિક વિકૃત વ્યક્તિએ માતા સામે દીકરીને પતાવી નાંખી

છોટા ઉદેપુરઃ જિલ્લામાં બલિ ચડાવીને એક બાળકીની હત્યા મામલે નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન આ બલિની ઘટના ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે માહિતી આપી હતી.
જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યુ છે કે, ‘આરોપી માનસિક વિકૃત વ્યક્તિ છે. છેલ્લા 6-7 વર્ષથી એકલો રહેતો હતો. તેણે ફરિયાદીની દીકરીને ફરિયાદીની સામે જ મોઢું દબાવીને લઈ ગયો હતો. પરંતુ ફરિયાદી આજુબાજુમાંથી લોકોને બોલાવીને ભેગા કરે તે પહેલાં જ છોકરીની કુહાડી મારીને હત્યા કરી નાંખે છે. તેટલું જ નહીં, આરોપીએ ઘરમંદિરમાં જ લોહીનાં ટીપાં ચડાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી તાંત્રિક વિધિ કે ભૂવા વિધિ ન હોવાનું સામે આવ્યું છે. આરોપી ક્યારેક કાગળના ડૂચાં વીણવાનું કામ કરતો હતો. તેણે માનસિક વિકૃતિથી આ કામ કર્યું છે. આ ફરિયાદી પરિવાર પર તેણે પૂછપરછ દરમિયાન ગંભીર આક્ષેપ કર્યા છે. તેણે આક્ષેપ કર્યો હતો કે, ફરિયાદીના પરિવારે તેના સહપરિવારને મારી નાંખવાની વાત કરી છે. પરંતુ તપાસમાં આવી કોઈ હકીકત સામે આવી નહોતી. આત્માની શાંતિ માટે તેણે લોહીનાં ટીપાં મંદિરમાં ચડાવ્યા હતા.’
શું હતી સમગ્ર ઘટના?
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા પાણેજ ગામે આ ઘટના બની છે. જેમાં 5 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી છે. આધેડ લાલુ હિંમત તડવી બાળકી રમતી હતી તે દરમિયાન ઘરમાં લઈ ગયો હતો અને ત્યારબાદ કુહાડીથી ગળું કાપીને તેની હત્યા કરી નાંખી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઉપરાંત મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ગુનો નોંધી પોલીસે આરોપી લાલુની પોલીસે ધરપકડ કરી છે.