July 7, 2024

Chile Forest Fires: ચિલીમાં ભીષણ આગ બાદ સ્થિતિ ગંભીર, 122થી વધુના મોત

સેન્ટિયાગો: દક્ષિણ અમેરિકાના ચિલીના જંગલોમાં આગ લાગી છે. આ જ્વાળાઓ જંગલમાં ઝડપથી ફેલાઈ રહી છે. જંગલોમાંથી શરૂ થયેલી આ આગ હવે ઝડપથી રહેણાંક વિસ્તારો તરફ ફેલાઈ રહી છે. સ્થિતિ એ છે કે અત્યાર સુધીમાં 122 લોકોએ આના કારણે જીવ ગુમાવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધુ વધશે તેવી શક્યતા છે. બીજી બાજુ આ સિવાય હજુ પણ સેંકડો લોકો ઘાયલ અને ગુમ હોવાના અહેવાલ સામે આવ્યા છે. માહિતી અનુસાર સોમવાર સુધીમાં ઓછામાં ઓછા 122 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની આશંકા છે. બીજી બાજુ ચિલીની નેશનલ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ રિસ્પોન્સ સર્વિસ (SENAPRED)ના અહેવાલ અનુસાર હાલમાં દેશભરમાં 161 સક્રિય આગ ભડકી રહી છે.

 

રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી
વાલપારાઇસો અને વિના ડેલ માર સહિતના દરિયાકાંઠાના સમુદાયોમાં ધુમાડો ફેલાતા ઘણા લોકો માર્યા ગયા બાદ રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક દ્વારા કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. બરબાદ થયેલા શહેરોની મુલાકાત બાદ રવિવારે બોરીકે એક પ્રેસ કોન્ફરન્સમાં ચિંતા વ્યક્ત કરી હતી કે આગમાં મૃત્યુઆંક હજુ નોંધપાત્ર રીતે વધારો થવાની સંભાવના છે.

રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો
બોરીકે ગયા અઠવાડિયે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે આગને લીધે સંરક્ષણ મંત્રાલય અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાના લશ્કરી કર્મચારીઓ મોકલશે અને તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરી પાડશે. તેમણે આગ પીડિતોના માનમાં સોમવાર (5 ફેબ્રુઆરી) અને મંગળવાર (6 ફેબ્રુઆરી)ને રાષ્ટ્રીય શોકના દિવસો તરીકે જાહેર કર્યા.

400,000 હેક્ટર જમીનમાં આગ ફાટી નીકળી હતી
મળતી માહિતી અનુસાર ચિલીમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં 16 હજારથી વધુ ઘર બળીને રાખ થઈ ગયા છે. આગ એટલી ભીષણ હતી કે કેટલાક વિસ્તારોમાં લોકોને ઘર છોડવાની ફરજ પડી રહી છે. આગને કારણે મધ્ય ચિલીના ઘણા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ફેબ્રુઆરી 2023માં દેશમાં 400,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આગ લાગી હતી અને 22 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.

આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ
હાલ ચિલીમાં આગ ઝડપથી ફેલાઈ રહી છે અને આબોહવાની પરિસ્થિતિઓને કારણે તેને કાબૂમાં લેવું મુશ્કેલ બની ગયું છે. તાપમાન ઊંચું છે, પવન જોરથી ફૂંકાઈ રહ્યો છે અને ભેજ ઓછો છે. ચિલીના ગૃહમંત્રી કેરોલિના તોહાએ જણાવ્યું હતું કે દેશના મધ્ય અને દક્ષિણમાં 92 જંગલોમાં આગ લાગી છે, જ્યાં આ અઠવાડિયે તાપમાન અસામાન્ય રીતે ઊંચુ રહ્યું છે. વાલપારાઈસો વિસ્તારમાં લાગેલી ભીષણ આગને કારણે લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળોએ જવા વિનંતી કરી હતી.