તાપીમાં ધારાસભ્યના ગામની શાળાના કેમ્પસમાં ચર્ચ, ધર્માંતરણનો મુદ્દો ગરમાયો

દિપેશ મજલપુરીયા, તાપી: તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ફરી ધર્માંતરણનો મુદ્દો ગરમાયો છે. જ્યાં હવે સરકારી શાળા કેમ્પસમાં જ ચર્ચ ઊભું કરી દેવાતા વિવાદ ઉભો થયો છે. જે વિવાદ વ્યારા વિધાનસભાના ભાજપ પક્ષના ધારાસભ્ય મોહન કોંકણીના ગામ હરીપુરા ખાતે થતાં મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના હરીપુરા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા અને ચર્ચ એકજ કેમ્પસમાં આવતા ફરી ધાર્મિક વિવાદ ઉભો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કથાકાર મોરારીબાપુ દ્વારા આ જ મુદ્દે વિવાદ છેડવામાં આવ્યો હતો. ત્યારે વ્યારા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મોહન કોંકણીના ગામ હરીપુરા ખાતે આવેલ પ્રાથમિક શાળાના કેમ્પસમાં જ ચર્ચ ઊભું કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જોકે સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ ચર્ચ અગાઉ બન્યું હતું. બાદમાં શાળા બની હોવાની માહિતી આપવામાં આવી હતી. તો બીજી તરફ હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા તપાસ કરવામાં આવે એવી માગ કરવામાં આવી રહી છે.
સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની ટીમને જાણ થતા શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ સહિતના અધિકારીઓ તપાસમાં જોતરાયા છે. ત્યારે શાળાના આચાર્યના જણાવ્યા મુજબ શાળા પેહલા ચર્ચ બન્યું હતું અને શાળા ગામતળની જગ્યામાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.
સમગ્ર પ્રકરણ ઊભું થતા વહીવટી વિભાગના અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. જોકે અત્યાર સુધી કેમ શિક્ષણ વિભાગને જાણ ન થઈ એ સવાલ પણ ઉઠવા પામ્યો છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ પેહલા ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને બાદમાં શાળા જોકે હિન્દુ સંગઠનો દ્વારા માગ ઉઠવા પામી છે કે સરકાર આ મામલે કાર્યવાહી કરે.