July 1, 2024

ટાઉન પ્લાનર્સને CM ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના, 1 વૃક્ષ કપાય તો 5 વૃક્ષ ઉગાડો

અમદાવાદ: અમદાવાદમાં નવરંગપુરા લોગાર્ડન વિસ્તાર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટાઉન પ્લાનિંગ કાર્યક્રમ અંતર્ગત ઈન્સ્ટીટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઈન્ડિયા વેસ્ટ ઝોનમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કુદરત તરફથી આપણને થાપટ ન મળે ત્યાં સુધી આપણે મસ્તીમાં હોઈએ છીએ, કોરોના પછી લાગ્યું કે કુદરત સાથે રહેવું પડશે.અત્યાર સુધી લીવેબલ માટે વિચારાયું પરંતુ હવે લવેબલ કેવી રીતે બનવું તે માટે વિચારવું પડશે. હવે સસ્ટેનેબિલિટી તમામ લોકો માટે ખુબ જ જરૂરી બની ગઈ છે.

અમદાવાદમાં નવરંગપુરા લો-ગાર્ડન વિસ્તારની CM ભૂપેન્દ્ર પટેલે ટાઉનપ્લાનર્સને સુચક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે, દરેક ટીપી જે નવી બનશે ત્યાં 1 ટકો જગ્યા અર્બન ફોરેસ્ટ માટે ફાળવાશે, ત્યાં જ ડેવલોપમેન્ટમાં રસ્તા પહોળા કરવા ઝાડ કપાય તે યોગ્ય નથી. ઝાડ કપાતા અમે કેટલા ક્રીટીસાઈઝ થઈએ છીએ અમને ખબર છે. પણ 1 ઝાડ કપાય તો 5 ઝાડ ઉગાડવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. પર્યાવરણ બચાવવું જરુરી છે જે આપણી ફરજ છે. ગ્લોબલ વોર્મિંગથી બહાર નિકળવા માટે આપણે ગ્રીનરી તરફ આગળ વધવુ પડશે, જ્યારે કોઈ વૃક્ષ કપાઈ છે ત્યારે દરેક લોકોને એવું થવું જોઈએ કે આપણા પર ઘા થઈ રહ્યો છે. જો તમામ લોકો આવું વિચારશે તો જ આપણે ગ્લોબલ વોર્મિંગથી બહાર નિકળી શકીશું.

આ પણ વાંચો: બીલીમોરામાં ખુલ્લી ગટરમાં ગરકાવ થયેલી બાળકીનો મૃતદેહ 22 કલાક બાદ મળ્યો

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રોડ અને રસ્તાની અંદર જ આપણું ડેવલોપમેન્ટ આવી ગયું છે. જ્યાં 17 ટકા કપાત સાથે ટીપી બનેલ છે ત્યાં 40 ટકા કપાત કરીએ છીએ તો પણ મુશ્કેલી નડે છે. એક સારા વરસાદમાં પણ તમે ગમે તેટલી સારી ડિઝાઈન કરી હોય પણ કંઈ કામ નથી આવતી. ગમે ત્યારે ત્યાં પાણી ભરાઈ જાય છે.