January 3, 2025

મણિપુર હિંસા પર CM બિરેન સિંહે માંગી માફી, કહ્યું-આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું, લોકો મને માફ કરે

CM Biren Singh apologized for Manipur: મણિપુર હિંસા અંગે સીએમ એન બિરેન સિંહે જનતાની માફી માંગી છે. તેણે કહ્યું કે આ આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું છે. ગયા વર્ષે 3 મેથી લઈને આજ સુધી જે કંઈ પણ થયું છે તેના માટે હું રાજ્યની જનતાની માફી માંગુ છું. ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા. ઘણા લોકો પોતાના ઘર છોડી ગયા. હું આનાથી દુઃખી છું. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં શાંતિપૂર્ણ સ્થિતિ જોઈને મને આશા છે કે 2025માં રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી જાતિય હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. નોંધનીય છે કે, નવેમ્બરમાં મણિપુરના જીરીબામમાં ત્રણ મહિલાઓ અને તેમના ત્રણ બાળકોની હત્યા બાદ પણ હોબાળો થયો હતો. રાજ્યમાં સતત હિંસાને કારણે એન બિરેન સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકાર ભારે દબાણમાં છે અને બિરેન સિંહને પદ પરથી હટાવવાની માંગણી વેગ પકડી રહી છે. NDAની સહયોગી પાર્ટી NPPએ પણ મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે અને નેતૃત્વ બદલવાની માંગ કરી છે. હવે વર્ષના અંતમાં મણિપુરના સીએમ એન બિરેન સિંહે જનતાની માફી માંગી છે. તેણે કહ્યું કે આ આખું વર્ષ ખરાબ રહ્યું. નવા વર્ષ 2025માં શાંતિની આશા છે.