December 22, 2024

ચાવાળાના પાનકાર્ડનો ઉપયોગ કરી બેંકમાં ખાતા ખોલાવી કરોડોના વ્યવહાર કરનાર બે સામે ફરિયાદ

ભાવેશ ભોજક,પાટણ: પાટણ શહેરમાં ચાવાળા પાસેથી બે વ્યકિતઓએ આધારકાર્ડ, રેશનકાર્ડ, ફોટા સહિતના દસ્તાવેજો મેળવી પાનકાર્ડ બનાવી તેના આધારે ચાવાળાની જાણ બહાર જુદા જુદા બેંક એકાઉન્ટો ખોલાવ્યા હતા. તેમાં અપ્રમાણસર કરોડો રુપિયાના નાણાંકીય વ્યવહારો કરતા ઇન્કમટેક્ષ વિભાગ તરફથી શ્રમજીવીને રૂ.49,06,59,280ની પેનલ્ટી સહિત ટેક્ષ ભરવા નોટીસ ફટકારતા તે ચોંકી ઉઠયો હતો. પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર પટેલ અલ્પેશકુમાર મણીલાલ (રહે . માધવવિલા સોસાયટી – પાટણ)અને પટેલ વિપુલકુમાર મણીલાલ (રહે.ઊંઝા) વિરુદ્ધ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા આ કેસની તપાસ LCBને સોંપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કોઇના ઉપર આંધળો વિશ્વાસ મુકતા પહેલા ચેતવા જેવા આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લાના રણાવાડા ગામનો મુળ વતની અને હાલ પાટણ ખાતે ટીબી ત્રણ રસ્તા પાસે ગોકુળનગરમાં રહી નવા ગંજબજારમાં ચાની લારી ચલાવી મજુરીના વ્યવસાય સાથે સંકળાયેલો ખેમરાજભાઇ વજેરામભાઇ પાટણના પટેલ અલ્પેશકુમાર મણીલાલ અને પટેલ વિપુલકુમાર મણીલાલ સાથે સંપર્કમાં આવ્યો હતો. આ બંને વ્યક્તિઓએ તેને પાનકાર્ડ કઢાવી આપવાનું કહી આધારકાર્ડ , રેશનકાર્ડ , ફોટા સહિતના દસ્તાવેજો મેળવ્યા હતા અને પાનકાર્ડ કઢાવી ખેમરાજની જાણ બહાર જુદા જુદા બેંક એકાઉન્ટો ખોલાવવા ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ખેમરાજના નામે બેંક એકાઉન્ટો ખોલાવ્યા હતા.

આ પણ વાંચો: પંચમહાલમાં બોગસ લગ્ન કરાવવાનું કૌભાંડ, એક મહિનામાં કરાવ્યા 100 લગ્ન

બેંક એકાઉન્ટમાં અલ્પેશ અને વિપુલે વર્ષ 2014-2015 તથા વર્ષ 2015-2016માં અપ્રમાણસર રીતે કરોડો રુપિયાના નાણાંકીય વ્યવહારો કર્યા હતા. દરમ્યાન ગત તા. 11 /08/2023ના રોજ ખેમરાજને ઈન્કમટેક્ષ વિભાગ તરફથી રૂ. 49,06,59,280ની રકમની પેનલ્ટી સહિત ટેક્ષ ભરવાની નોટિસ અપાતા તે ચોંકી ઉઠયો હતો. વિશ્વાસઘાતનો ભોગ બનેલ ખેમરાજે આ બાબતે અલ્પેશ અને વિપુલનો સંપર્ક કરતા આ વાત કોઇને કરીશ તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પોતાની સાથે છેતરપિંડી આચરાઇ હોવાની જાણ થતાં ખેમરાજે પટેલ અલ્પેશ અને પટેલ વિપુલ વિરુદ્ધપાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ કેસની તપાસ પાટણ એલ.સી.બી.ને સોંપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.