કોંગ્રેસની CWCની બેઠક પૂર્ણ, સંગઠનને મજબૂત કરવા માટે ચર્ચા કરાઈ

અમદાવાદ: કોંગ્રેસની CWCની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર થશે. રાજકીય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ખેડૂતો, મહિલાઓ, યુવાનોને થઈ રહેલા અન્યાય અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ SC, ST, OBC અને લઘુમતી સમાજને થઈ રહેલા અન્યાય અંગે ચર્ચા કરાઈ હતી. તમામ મુદ્દાઓને લઇ રોડમેપ તૈયાર કરાયો છે.

ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસ અધિવેશન મળ્યું છે. અમદાવાદમાં આજે સરદાર સ્મારક ખાતે બપોરના 11:50 વાગ્યાથી 3:50 વાગ્યા સુધી કોંગ્રેસની CWCની બેઠક મળી હતી. 158 સભ્યોની હાજરી સાથે 4 કલાક ચાલેલી બેઠકમાં વિવધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસ CWCના મેમ્બર યશોમતી ઠાકુરે જણાવ્યું કે, આજે ગાંધી અને સરદારની ભૂમિ પર મંથન ચાલી રહ્યું છે. સરદાર અને ગાંધીની પ્રેરણાથી કોંગ્રેસ ચાલી રહી છે.

આજે અમદાવાદમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠકમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને તેમને લગતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

પ્રસ્તાવમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસ સરદાર પટેલના માર્ગે ચાલશે

  • ખેડૂતોના હક્કો માટે લડવા તૈયાર.
  • ‘નફરત છોડી દો – ભારતને એક કરો’ના માર્ગ પર આગળ વધવા માટે તૈયાર.
  • અમે બંધારણ મુજબના મૂળભૂત અધિકારો અને દેશના મહેનતુ શ્રમિકો અને કામદારોના અધિકારો માટે લડવા તૈયાર છીએ.
  • સંસાધનોના સમાન વિતરણ માટે નવા સંઘર્ષ માટે તૈયાર.
  • કોમવાદના ઉન્માદને રોકવા માટે લડવા તૈયાર.
  • નફરત અને ભાગલાને હરાવવા માટે લડવા તૈયાર.
  • ભારતીય લોકશાહી અને બંધારણની સ્વતંત્રતા માટેની આ લડાઈને વધુ તીવ્ર બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરો ‘ન્યાયના માર્ગ’ પર ચાલવા માટે કટિબદ્ધ છે.