February 22, 2025

સેમ પિત્રોડાના નિવેદનને કોંગ્રેસનું જ સમર્થન નહીં, જયરામ રમેશે કહ્યું- ‘આ પાર્ટીના વિચારો નથી’

Sam Pitroda Statement: વારંવાર વિવાદોમાં રહેતા ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સેમ પિત્રોડાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના કારણે દેશમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે ભાજપના આક્ષેપો બાદ કોંગ્રેસ પાર્ટીએ સેમ પિત્રોડાના નિવેદનથી પોતાને દૂર રાખી છે. આ મામલે કોંગ્રેસના નેતા અને મહાસચિવ જયરામ રમેશે કહ્યું છે કે, સેમ પિત્રોડાનું નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી. આ મામલે જયરામ રમેશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું- સેમ પિત્રોડાએ ચીન પર જે વિચારો વ્યક્ત કર્યા છે તે ચોક્કસપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિચારો નથી.

ચીન પ્રત્યે મોદી સરકારના અભિગમ પર પ્રશ્નો ઉઠાવ્યા
તેમણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું- ચીન આપણી સૌથી મોટી વિદેશ નીતિ, બાહ્ય સુરક્ષા તેમજ આર્થિક પડકાર છે. કોંગ્રેસે વારંવાર મોદી સરકારના ચીન પ્રત્યેના અભિગમ પર સવાલ ઉઠાવ્યા છે. જેમાં 19 જૂન 2020ના રોજ વડાપ્રધાને જાહેરમાં ચીનને ક્લીનચીટ આપી હતી. ચીન પર અમારું સૌથી તાજેતરનું નિવેદન 28 જાન્યુઆરી 2025ના રોજ હતું. એ પણ ખૂબ જ દુઃખદ છે કે સંસદને પરિસ્થિતિ પર ચર્ચા કરવાની અને આ પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે સામૂહિક સંકલ્પ વ્યક્ત કરવાની તક આપવામાં આવી રહી નથી.

સેમ પિત્રોડાએ શું નિવેદન આપ્યું છે?
ચીન અંગે કોંગ્રેસના વિદેશ બાબતોના વડા સેમ પિત્રોડાએ કહ્યું કે, ચીન તરફથી ખતરો ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ હોય છે અને ભારતનો અભિગમ હંમેશા સંઘર્ષાત્મક રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દેશોએ એકબીજાને સહયોગ કરવો જોઈએ અને અથડામણ નહીં. આપણે આ માનસિકતા બદલવાની જરૂર છે અને પહેલા દિવસથી જ ચીનને દુશ્મન માનવાનું બંધ કરવાની જરૂર છે.