September 19, 2024

ભીમાસર-ભુજ નેશનલ ફોરલેન હાઇવેના કરોડોના કામમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસ નેતાનો આક્ષેપ

નિતીન ગારવા, ભુજ: ભીમાસર-ભુજ નેશનલ હાઈવે નં.341 ફોરલેન હાઇવેના કરોડોના કામમાં જી.આર.ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા ભ્રષ્ટાચાર થતુ હોવાનું કોંગ્રેસ નેતાએ કર્યા ગંભીર આક્ષેપ કર્યો છે. ભીમાસર-ભુજ નેશનલ હાઈવે નં. 341 ફોરલેન બનાવવાની જી.આર.ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કામગીરી ચાલુમાં છે. રોડના કામમાં માટીકામ પણ યોગ્ય રીતે થતું નથી. યોગ્ય લેયર પ્રમાણે રોલિંગ વોટરીંગ કરવામાં આવતું નથી. જેથી ભવિષ્યમાં આ રોડ બેસી જવાની પણ શક્યતા છે. હલકી ગુણવતાની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. સિલિકાનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે જે સરકાર માન્ય છે કે કેમ જેનું ટેસ્ટીંગ થયેલ છે કે કેમ. નેશનલ હાઇવેના કામમાં સિલિકાનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે જયારે અન્ય સરકારી કામોમાં તેનો ઉપયોગ થતુ નથી તેવામાં નેશનલ હાઈવેના બ્રિજમાં સિલિકા ઉપયોગ થતુ તે ખુબ જ ગંભીર બાબત કહેવાય જેના પરિણામે ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવો કોંગી નેતાએ આક્ષેપ કર્યો હતો.

રોડ બનાવતી એજન્સીએ અનેક વખત ખનીજ ચોરી કરતા પકડાઈ છે તેમ છતાં જવાબદાર વિભાગો કોઈ કાર્યવાહી કરાઈ નથી જેને લઇને ગુજરાત પ્રદેશના મહામંત્રી વી. કે. હુંબલ દ્વારા સંબંધિત વિભાગોને લેખિત રજુઆત કરાઈ છે.

આ પણ વાંચો: રાહુલે પૂછ્યું- શું બાંગ્લાદેશમાં વિદેશી કાવતરું? એસ. જયશંકરે કહ્યું અમે પાકિસ્તાનના…

પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના ભુસ્તર શાસ્ત્રી ડી. એસ. બારીયાએ જી.આર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા થયેલ ગેરકાયદેસર ખનન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે જી.આર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લિમિટેડને વર્ષ 2023 પહેલા 6 પરમીટ આપવામાં આવી હતી. જાન્યુઆરી 2023માં ચુંબડક અને વાવડી પરમીટ બહારનું ખોદકામ કરવાં બદલ જી. આર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લિમિટેડને પેનલ્ટી આપવામાં આવી હતી જેનો દંડ ભરપાઈ કરવામાં આવેલ છે. વર્ષ 2024 દરમ્યાન કુકમા અને ચુંબડક વિસ્તાર ગેરકાયદેસર ખનન વિરુદ્ધ પેનલ્ટી કરવામાં આવી હતી અત્યાર સુધીમાં જી. આર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લિમિટેડએ કરેલ 3 વખતના ગેરકાયદેસર ખનન વિરુદ્ધ 87 લાખનો દંડ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા વસુલ કરવામાં આવ્યુ છે. હવે જી. આર.ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવશે તો કોર્ટ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

ભુસ્તરશાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જી. આર. ઇન્ટ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા વારંવારમાં થતા ગેરકાયદેસર ખનન છતાં પરમીટ આપી દેવાય છે. જો પરમીટ નહીં અપાય તો વધારે ગેરકાયદેસર ખનન થઇ શકે છે. ખનીજ વિભાગ એવુ પ્રયત્ન કરી રહ્યું છે તેઓ વધારે કાયદેસર પરમીટ મેળવે અને પરમીટ ધરાવતા ખનીજનું ખનન અને વહન કરે.