March 14, 2025

રાજ્યની સ્થિતિ માટે ગૃહ ખાતુ જવાબદાર, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળીઃ મનીષ દોશી

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંકને લઈને કોંગ્રેસના નેતા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

તેમણે જણાવ્યુ છે કે, ‘વસ્ત્રાલમાં 15થી 20 ગુંડાઓનાં ટોળાએ રસ્તા પર રાક્ષસી આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. છેલ્લા 72 કલાકમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ગૃહ મંત્રી કહે છે કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ પહેલા પકડો તો ખરાં’.

તેઓ વધુમાં કહે છે કે, ‘કેબિનેટ ગૃહ ખાતું મુખ્યમંત્રી પાસે છે. મુખ્યમંત્રી પોતાને મૃદુ અને મક્કમ ગણાવે છે, ત્યારે મક્કમ પગલાં ક્યારે લેશે? સામાન્ય વ્યક્તિ દંડ અને દંડાનો ભોગ બને અને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. રાજ્યમાં જે પ્રકારની સ્થિતિ છે તે માટે ગૃહ ખાતુ જવાબદાર છે.’