February 13, 2025

હું RAW એજન્ટ છું…. પત્નીના ISI એજન્ટ હોવાના આરોપ પર કોંગ્રેસ સાંસદનો BJP પર વળતો પ્રહાર

Delhi: ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની પત્ની પર પાકિસ્તાની અને ISI એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે કોંગ્રેસના સાંસદે ભાજપને વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે જો મારી પત્ની ISI એજન્ટ છે તો હું RAW એજન્ટ છું. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના નિવેદન પર ગૌરવ ગોગોઈએ વળતો પ્રહાર કર્યો છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ બુધવારે ટ્વિટર પર કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈની પત્ની પર પાકિસ્તાન અને ISI સાથે સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે લોકસભામાં વિરોધ પક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ આ આરોપને હાસ્યાસ્પદ અને મનોરંજક ગણાવીને ફગાવી દીધો. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે ભાજપ આવા પાયાવિહોણા આરોપો લગાવી રહી છે કારણ કે તેમની પાસે ઉઠાવવા માટે કોઈ મુદ્દો નથી.

હું RAW એજન્ટ છું: ગૌરવ ગોગોઈ
ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે ગયા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેમના અને તેમના પરિવાર વિરુદ્ધ આ પ્રકારનો પ્રચાર અભિયાન શરૂ કર્યો હતો અને તેના જવાબમાં લોકોએ તેમને જોરહાટ સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે જો મારી પત્ની પાકિસ્તાનની ISI એજન્ટ છે, તો હું પણ ભારતની RAW એજન્સીનો એજન્ટ છું.

આ પણ વાંચો: IPL 2025 માટે RCBએ નવા કેપ્ટનની કરી જાહેરાત, કોહલી નહીં પણ આ બેટ્સમેનને કમાન સોંપાઈ

ભાજપના આરોપોથી કોઈ ફરક પડતો નથી: કોંગ્રેસના સાંસદ
તેમણે વધુમાં કહ્યું કે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી તેમને કોઈ ફરક પડતો નથી કારણ કે જે પરિવાર પર પહેલાથી જ ઘણી બાબતોનો આરોપ છે તે હવે તેમના પર આરોપ લગાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સીએમ હિમંતા બિસ્વા શર્માએ ગૌરવ ગોગોઈ અને તેમની બ્રિટિશ પત્ની એલિઝાબેથ કોલબર્ન પર ટિપ્પણી કરી હતી.