November 23, 2024

ગૂગલના AI પ્લેટફોર્મ ‘જેમિની’એ PM મોદી વિશે આપ્યો વિવાદાસ્પદ જવાબ

Google AI platform Gemini: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા સવાલને લઈને કેન્દ્ર સરકાર ગૂગલને નોટિસ આપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગૂગલના AI પ્લેટફોર્મ જેમિનીના જવાબની પ્રતિક્રિયાને ઉલ્લંઘન ગણાવ્યું છે. IT મંત્રી રાજીવ ચંદ્રેશખરે પત્રકારની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે IT નિયમ 3(1)(b)નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જેમિની ઘણા ગુનાહિત સંહિતાનું ઉલ્લંઘન કરે છે.

પીએમ મોદીના સવાલ પર વાંધાજનક પ્રતિક્રિયા
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, એક સરકારી અધિકારીએ કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે ગૂગલનું AI આવી ગેરકાયદેસર પ્રતિક્રિયા આપી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે જનરેટિવ AI પ્લેટફોર્મે પીએમ મોદીના સવાલ પર એક યુઝરને વાંધાજનક જવાબ આપ્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં ટીકા બાદ ગૂગલે તેના જેમિની AI ટૂલથી ફોટા બનાવવામાં કેટલીક ભૂલો માટે માફી પણ માંગી હતી. AI ટૂલએ નાઝી-યુગના જર્મન સૈનિકો જેવા જૂથોને રંગીન લોકો તરીકે દર્શાવ્યા હતા. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X પર એક યુઝર્સએ જણાવ્યું કે, જ્યારે જેમિનીને પીએમ મોદી અને ફાસીવાદ સાથે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે વાંધાજનક પ્રતિક્રિયા આપી હતી. જો કે, જ્યારે આ જ પ્રશ્ન ડોનાલ્ડ ટ્રમ્પ અને વોલોડીમિર ઝેલેન્સકી માટે પૂછવામાં આવ્યો ત્યારે જેમિનીએ તેનો જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

જેમિની AI શું છે?
જેમિની એ AI-સંચાલિત ચેટબોટ છે જે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપી શકે છે. આ ટૂલ લેખિતમાં માહિતી જાહેર કરી શકે છે. તેને ગૂગલ ડીપમાઈન્ડ (Google DeepMind) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ ટૂલની જાહેરાત 6 ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. એલોન મસ્ક દ્વારા ગૂગલના AI ઇમેજ જનરેશન એન્જિનને જાતિવાદી ગણાવ્યાના થોડા કલાકો બાદ આ વાત સામે આવી છે. મંત્રી રાજીવ ચંદ્રેશખરે પણ ઈલોન મસ્કના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી.