January 15, 2025

CPI(M)ના નેતા સીતારામ યેચુરીનું નિધન, 72 વર્ષની વયે AIIMSમાં અંતિમ શ્વાસ લીધા

Sitaram Yechury: કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સીતારામ યેચુરીને દિલ્હીના એઈમ્સના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. CPI(M) એ મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે 72 વર્ષીય યેચુરીની AIIMSના ICUમાં સારવાર કરવામાં આવી હતી, તેઓ Acute Respiratory Tract Infectionથી પીડાતા હતા. તેમને 19 ઓગસ્ટના રોજ AIIMSના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, સીતારામ યેચુરીનો જન્મ 12 ઓગસ્ટ 1952ના રોજ મદ્રાસ (ચેન્નઈ)માં તેલુગુ ભાષી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સર્વેશ્વર સોમયાજુલા યેચુરી આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં એન્જિનિયર હતા. તેમની માતા કલ્પકમ યેચુરી સરકારી અધિકારી હતા.

યેચુરીએ પ્રેસિડેન્ટ એસ્ટેટ સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ કર્યો અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન હાયર સેકન્ડરી પરીક્ષામાં ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો. આ પછી તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં બીએ (ઓનર્સ)નો અભ્યાસ કર્યો અને પછી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમએ કર્યું. ઈમરજન્સી દરમિયાન જેએનયુમાં વિદ્યાર્થી હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સીતારામ યેચુરીના નિધન પર ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક પક્ષોના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ યેચુરીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે થોડા વર્ષો પહેલા સંસદમાં મારા સાથી રહેલા સીતારામ યેચુરીના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના.