July 2, 2024

ક્રિકેટ સટ્ટા નેટવર્કનો પર્દાફાશ : ઉજ્જૈનમાં કરોડોની રોકડ સહિત 7 દેશોની કરન્સી મળી

Ujjain Cricket Betting: ઉજ્જૈનમાં ક્રિકેટ સટ્ટાબાજીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો પાડી 9 લોકોની અટકાયત કરી હતી. જો કે મુખ્ય આરોપી પિયુષ ચોપરા ફરાર છે. સ્થળ પરથી 7 દેશોની કરન્સી સહિત કરોડો રૂપિયાની નોટો મળી આવી છે. રોકડ ગણવા માટે મશીન મંગાવવું પડ્યું. પોલીસ મુખ્ય આરોપીને શોધવામાં લાગી ગઇ છે. કહેવામાં આવ્યું છે કે તેને દેશ છોડવાથી રોકવા માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવશે.

ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્માએ જણાવ્યું કે પીયૂષ ચોપરા મોટા પાયે સટ્ટાબાજીની ગેંગ ચલાવતો હોવાની માહિતી મળી હતી. નક્કર માહિતી એકત્ર કર્યા બાદ ગુરુવારે રાતથી ઉજ્જૈનમાં 2-3 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર ખારા કુઆ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મુસદ્દીપુરા અને નીલગંગા પોલીસ સ્ટેશન હેઠળની કોલોનીમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન 9 લોકોની અટકાયત કરવામાં આવી છે. સ્થળ પરથી કરોડો રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. ગણતરી બાદ 14.58 કરોડ ભારતીય ચલણ મળી આવ્યું હતું. વિદેશી નોટોની ગણતરી હજુ થઈ નથી.

દરોડા દરમિયાન પોલીસે 41 મોબાઈલ ફોન, 19 લેપટોપ, 05 મેક-મિની, 01 આઈપેડ, ભારતીય અને વિદેશી સિમ કાર્ડ, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે પણ જપ્ત કર્યા છે. આરોપી પાસેથી નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું છે. આ નોટો ફરાર આરોપી પિયુષના મુસદ્દીપુરા સ્થિત ઘરે 11 બેગમાં રાખવામાં આવી હતી. અમેરિકા, કેનેડા, સંયુક્ત આરબ અમીરાત, નેપાળ સહિત 7 દેશોની કરન્સી રિકવર કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે મુખ્ય આરોપી પિયુષ પણ બિલ્ડર તરીકે કામ કરે છે. તે તેના પરિવાર સાથે લાતવિયા ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેના માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવી રહ્યો છે. પોલીસે મોટી રકમની રિકવરી અંગે ઈડી અને ઈન્કમ ટેક્સને પણ જાણ કરી છે.