November 24, 2024

Raikhad: બાળકીના અપહરણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી દબોચ્યો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં બાળકીના અપહરણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. રાયખડ પાસે રોડ પર પિતાની બાજુમાં રમી રહેલી ચાર વર્ષની બાળકીનું યુવકે અપહરણ કર્યું હતું. જે બાળકી બીજા દિવસે મળી આવી હતી. આ અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે.

પકડાયેલ આરોપી શખ્સનું નામ છે બગદારામ ઉર્ફે પ્રકાશ પ્રજાપતિ છે. જે આરોપી મૂળ રાજસ્થાનના ઝાલોરનો રહેવાસી છે અને ઘણા સમયથી અમદાવાદમાં વસવાટ કરે છે. અમદાવાદના રાયખડ ચાર રસ્તા નજીક 2 જૂન રોજ વહેલી સવારે ફૂટપાથ પર રહેતી ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. જે ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટનાને લઈને ગાયકવાડ હવેલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે CCTVના આધારે બાળકી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જોકે બીજા દિવસે બાળકી કાલુપુર રેલવે સ્ટેશન સામેના ત્રણ રસ્તા પાસેથી મળી આવી હતી. જેને મેડિકલ માટે મોકલીને સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની શોધખોળ તેજ કરી હતી. જોકે આ ગુનામાં સામેલ આરોપી અંતે વાસણા APMC પાસેથી પકડાયો છે.

આ પણ વાંચો: દાહોદ: નદીમાં ન્હાવા પડેલા 6 બાળકોમાંથી બે ડૂબ્યા, એકનો બચાવ એકનું મોત

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીની તપાસ કરતાં સામે આવ્યું કે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતું ભટકતું જીવન ગુજારે છે. આ ઘટના બની તે દિવસે તે બાળકીનું રાયખડ ચાર રસ્તા પાસેથી અપહરણ કરીને અલગ અલગ વિસ્તારમાં ઓટો રિક્ષામાં ફર્યો હતો. આરોપીએ બાળકી પર દુષ્કર્મ ગુજારવાના ઇરાદે તેનું અપહરણ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. અપહરણ બાદ તે દુષ્કર્મ ગુજારવા માટે યોગ્ય જગ્યા શોધી રહ્યો હતો પરંતુ કલાકો વીતી જવાથી બાળકી ખૂબ રડવા લાગતા તે બાળકીને કાલુપુર રેલવે સ્ટેશન પાસે મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: કીડીને કણ અને હાથીને મણ, સેવાભાવી ગ્રુપે પૂરુ પાડ્યું કીડિયારું

વધુમાં જણાવ્યું હતું કે, આ ગુનામાં પકડાયેલો આરોપી અગાઉ મણીનગર, કાગડાપીઠ, એલીસબ્રીજ, કારંજ તેમજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની કસ્ટડી મેળવી તેની વધુ તપાસ અને શરૂ કરી છે. તેણે અગાઉ આવા કોઈ અન્ય ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેને લઈને પણ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.