December 22, 2024

નસવાડીમાં આફત વેરી ગયો વરસાદ પણ નુકસાનીનો સર્વે કરવા નથી ડોકાયો એકપણ અધિકારી

નયનેસ તડવી, છોટા ઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચામેઠા, લિન્ડા ગામમા ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનાં કારણે નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં નુકસાન થયુ છે છતા પણ તંત્રના કોઈ અધિકારીઓ આ ખેડૂતોના ખેતરોની આજ દિન સુધી મુલાકાત કરી નથી અને સર્વે પણ કરવામાં આવ્યું નથી. જગતનો તાત કહેવાતો ખેડૂત હવે ચિંતામાં મુકાયો છે.

છોટાઉદેપુર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદથી નદી નાળાઓ છલકાય ગયા હતા. આ વર્ષે વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેથી જગતનો તાત કહેવાતો ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ ખેડૂતોએ કપાસ, તુવર, સોયાબીન જેવા ચોમાસાના પાકનું વાવેતર કર્યું છે. મોંઘા ભાવના બિયારણ દવા ખાતર નાખી ખેડૂતોએ મોંઘા મુલા પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ વાવેતર કરવા માટે લોન લઈને અને દિવાળીના વાયદા પર બિયારણ લાવ્યા હતા. પરંતુ, વરસાદના પાણીના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સરકારનું વહીવટી તંત્ર હજુ સુધી આ ખેડૂતોના ખેતરોનું સર્વે કરવામાં આવ્યું નથી. આ સંવેદનશીલ ગુજરાત સરકાર તંત્રને સર્વે કરવા માટે આદેશ આપે અને સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચુકવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

ચામેઠા ગામના હસમુખભાઈ ભીલની 16 એકર જમીન છે. જેઓએ ચોમાસુ ખેતી કરવા માટે 3 લાખ રૂપિયાની લોન લીધી છે. તેઓએ પોતાના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું છે. પરંતુ જે વરસાદ પડ્યો છે તેના કારણે ખેતરોમાં વરસાદી પાણીના કારણે કપાસ બળી જવાની કગાળ પર આવી ગયો છે. હવે આ પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂત ચિંતામાં મુકાયો છે. તંત્ર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

લિન્ડા ગામના ખેડૂત ધમેન્દ્ર ભીલે 3 એકર જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. તેઓ કપાસ,ખાતર,બિયારણ દુકાનમાંથી ઉધાર દિવાળીના પર નાણાં આપવાના વાયદા પર બજારમાંથી લાવ્યા છે. પરંતુ હવે તેઓના ખેતરમાં કપાસ બળી ગયો છે. આ ખેડૂત ચિંતામાં મુકાયો છે. સરકાર વહેલી તકે સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યો છે.

લિન્ડા ગામના શંતિલાલભાઈ ભીલ પાસે 9 એકર જમીન છે. જેમાં તેઓએ તુવર અને કપાસનું વાવેતર કર્યું છે. તેઓના ખેતરમાં વરસાદી પાણીના કારણે તુવર અને કપાસનું વાવેતર નિષ્ફળ ગયો છે. આજ દિન સુધી કોઈ અધિકારી કે તંત્રના આ ગામની મુલાકાત લેવા આવ્યા નથી. જેથી ખેડૂતની સ્થિતિ દયનીય બની ગઈ છે.