September 6, 2024

‘કોઈ જવાબદારી નથી લેતું… તો લાવને હું લઈ લઉં’, ક્લાઉડસ્ટ્રાઈકના ‘નકલી’ કર્મચારીએ લીધી જવાબદારી

Microsoft Outage: શુક્રવારે માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થયું અને આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો. આ ટેકનિકલ સંકટથી વિશ્વભરની એરલાઈન્સ, બેન્કિંગ, નાણાકીય સંસ્થાઓ અને ટીવી ચેનલો પ્રભાવિત થઈ. શુક્રવારે એક અપડેટને કારણે, માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ ચલાવતા કમ્પ્યુટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. સાયબર સિક્યોરિટી ફર્મ ક્રાઉડસ્ટ્રાઈકના એન્ટી-વાયરસ પ્રોગ્રામ ફાલ્કન સેન્સરને અપડેટ કરવાને કારણે ટેકનિકલ કટોકટી આવી.

વાયરલ થઈ વિન્સેન્ટની પોસ્ટ
આખી દુનિયામાં ચર્ચા છે કે તાજેતરના સમયની સૌથી મોટા IT સંકટ પાછળ શું કારણ છે? અને આની પાછળ કોણ છે? આ બધા સવાલો વચ્ચે વિન્સેન્ટ ફ્લિબસ્ટિયર નામનો શખ્સ આગળ આવ્યો છે. વિન્સેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાને CrowdStrikeનો કર્મચારી ગણાવ્યો અને દાવો કર્યો કે તેની ભૂલને કારણે માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થઈ ગયું અને આખી દુનિયા તેનાથી પ્રભાવિત થઈ. તેની પોસ્ટમાં, વિન્સેન્ટે ક્રાઉડસ્ટ્રાઈકની ઓફિસમાં પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘ક્રાઉડસ્ટ્રાઈકમાં પ્રથમ દિવસ. નાનું અપડેટ કર્યું અને પછી બપોરે રજા લઈ લીધી. વિન્સેન્ટની આ તસવીર ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ ગઈ અને લાખો લોકોએ તેનું ટ્વિટ લાઇક કર્યું અને 36 હજારથી વધુ લોકોએ તેનું ટ્વિટ શેર કર્યું.

વિન્સેન્ટના મજાકને લોકોએ સાચું માની લીધું
જોકે, બાદમાં ખબર પડી કે વિન્સેન્ટ માત્ર મજાક કરી રહ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં લાખો લોકોએ વિન્સેન્ટના જૂઠને સત્ય માની લીધું હતું. લગભગ બે કલાક પછી, વિન્સેન્ટે બીજી પોસ્ટ કરી, જેમાં તેણે લખ્યું કે કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. વિન્સેન્ટે લખ્યું કે ‘સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર તરીકે ક્રાઉડસ્ટ્રાઈકમાં તેનો પહેલો દિવસ હતો અને તેના ઉત્સાહમાં તેણે એક નાનું અપડેટ કર્યું અને પછી ઘરે ગયો, પરંતુ કદાચ મારે આવું ન કરવું જોઈતું હતું. મેં ટેસ્ટિંગ વગર જ અપડેટને પ્રોડક્શનમાં નહોતું મોકલવું જોઈતું. તેને કારણે ટેક્નિકલ સમસ્યા સર્જાઈ અને તેના કારણે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો.

વિન્સેન્ટએ કહ્યું કે આખરે તેણે આવું મજાક કેમ કર્યું?
વિન્સેન્ટ એક કટાર લેખક છે જે નોર્ડપ્રેસ નામની બેલ્જિયન પેરોડી ન્યૂઝ વેબસાઇટ ચલાવે છે. એક ટીવી ઈન્ટરવ્યુમાં વિન્સેન્ટે કહ્યું કે લોકો એવી વાર્તાઓને સાચી માને છે જે તેમની પૂર્વ ધારણાઓ સાથે મેળ ખાય છે. વિન્સેન્ટે કહ્યું કે માઇક્રોસોફ્ટના સર્વર ડાઉનની જવાબદારી કોઇએ લીધી નથી અને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના ષડયંત્રોનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવામાં, લોકોને એવી વ્યક્તિની જરૂર છે જે જવાબદારી લઈ શકે. લોકોને નવી માહિતી જોઈતી હતી અને નકલી અને ખોટી માહિતી હંમેશા નવી હોય છે કારણ કે તે બીજે ક્યાંય વાંચવામાં આવી નથી. વિન્સેન્ટે કહ્યું કે તેથી જ તેણે માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થવા માટે પોતાને જવાબદાર ગણાવ્યો. ઘણા યુઝર્સ વિન્સેન્ટની મજાક સમજી ગયા, પરંતુ મોટી સંખ્યામાં લોકોએ વિન્સેન્ટની વાતને સત્ય તરીકે સ્વીકારી.