October 8, 2024

ઘરેથી કામ આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર શખ્સને સાયબર ક્રાઇમે દબોચ્યો

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં ટેલિગ્રામ ઉપર ઘરેથી કામ અપાવવાનું કહીને હોટલમાં ઓર્ડર આપવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન મળશે તેવી લાલચ લોકોને આપતો, આરોપી એક-બે વાર પેમેન્ટ કરી આપતો ત્યારબાદ લોકો પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતો હતો, હાલ આરોપીને સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત શહેરમાં સાયબર ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલના સમયમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ જાહેરાત મૂકીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમીશન આપવાની લાલચ આપી છેતરપિંડી કરનારે વેબસાઈટમાં ફરિયાદીના નામના યુઝરનેમ અને આઈડી પાસવર્ડ બનાવ્યા હતા, ત્યારબાદ ફરિયાદીને એક એક ટાસ્ક પૂરો કરવા બદલ 1042 રૂપિયાનું કમિશન આપ્યું હતું અને વધારે ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ ટાસ્કના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 7,50,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ પણ વાંચો: સુરતમાં બરફ-ગોળાની લારીઓ પર ફૂડ વિભાગના દરોડા, ક્રીમ-ચાસણીનાં નમૂના લીધા

7,50,000માંથી માત્ર ફરિયાદીને 55,360 રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું હતું અને 6,94,000નું રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું તેથી અંતે ફરિયાદીએ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરતના પુણાગામ વિસ્તારમાં ચામુંડા નગરમાં રહેતા રત્નકલાકાર જીગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરવામાં આવી છે અને જીગાએ અત્યાર સુધીમાં કેટલા સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તે બાબતે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.