December 13, 2024

‘ભારતીય સ્ટાર ગુકેશ દેશનું ગૌરવ વધાર્યું’, PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ પાઠવ્યા અભિનંદન

D Gukesh World Chess Championship 2024: ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે આજે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના 14માં રાઉન્ડમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. તેણે આ મેચ 7.5-6.5 પોઈન્ટથી જીતી હતી. આ સાથે તે સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. તેણે 18 વર્ષની ઉંમરમાં આ કારનામું કર્યું હતું. ગુકેશની ઐતિહાસિક જીતે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી બધાએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

પીએમ મોદીએ પણ ગુકેશને અભિનંદન પાઠવ્યા અને તેમના વખાણ કર્યા. પીએમ મોદીએ કહ્યું, ઐતિહાસિક અને અનુકરણીય! ડી ગુકેશને તેમની સિદ્ધિ બદલ અભિનંદન. આ તેમની અનોખી પ્રતિભા, સખત મહેનત અને અતૂટ સંકલ્પનું પરિણામ છે. તેમની જીતે માત્ર ચેસના ઈતિહાસમાં તેમનું નામ રોશન કર્યું નથી, પરંતુ લાખો યુવા દિમાગને મોટા સપના જોવા અને શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરિત કર્યા છે. તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.

રાષ્ટ્રપતિએ કહ્યું- વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી યુવા ખેલાડી બનવા બદલ ગુકેશને હાર્દિક અભિનંદન. તેણે ભારતને ઘણું ગૌરવ અપાવ્યું છે. તેમની જીત ચેસ સુપરપાવર તરીકે ભારતની ઓળખ દર્શાવે છે. ગુકેશે સરસ કામ કર્યું છે. દરેક ભારતીય વતી હું ઈચ્છું છું કે તમે ભવિષ્યમાં પણ સફળતા મેળવતા રહો.