June 30, 2024

દમણના દરિયામાં ન્હાવા પડેલા સુરતના 2 યુવકો ડૂબ્યાં, 3નું રેસ્ક્યૂ

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે દરિયાકિનારાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સર્ક્યુલેશન સિસ્ટમને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ત્યારે દમણના દરિયામાં 2 યુવકો ડૂબતાં તેમનું મોત નીપજ્યું છે.

દમણનાં દરિયામાં બે યુવકો ડૂબતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગત રવિવારે સુરતથી 5 મિત્રો દમણ ફરવા માટે ગયા હતા. ત્યારે તેમાંથી ત્રણ યુવકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 2 યુવકો ઉંચા મોજાં આવતા દરિયામાં તણાઈ ગયા હતા અને તેમના મોત નીપજ્યા હતા.

દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ
સહેલાણીઓની સુરક્ષાને ધ્યાને રાખીને દરિયામાં ન્હાવા માટે સ્થાનિક વહીવટી તંત્રએ પ્રતિબંધ ફરમાવ્યો છે. તંત્રએ દમણના તમાન બીચ પર ન્હાવા, તરવા અને માછીમારી કરવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આગામી 31મી ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.