March 15, 2025

ડાંગ દરબાર 2025નું આયોજન, 40થી વધુ લોકકલા-શિલ્પનું પ્રદર્શન

ડાંગઃ ગુજરાતના ડાંગ જિલ્લાની સમૃદ્ધ આદિવાસી લોકસંસ્કૃતિના પ્રતિક સમાન ડાંગ દરબાર મહોત્સવનો શુભારંભ થયો છે. 12 માર્ચ સુધી ચાલનારા આ મહોત્સવને માણવા વનબંધુઓ ઉમટી રહ્યા છે.

આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરતો મહોત્સવ એટલે ડાંગ દરબાર મહોત્સવ. 1842માં શરુ થયેલી ડાંગ દરબારની પરંપરા આજે પણ અવિરતપણે ચાલી રહી છે. એક સમયે ભીલ રાજાઓને બ્રિટિશ શાસને રાજકીય પેન્શન આપવાના ભાગરૂપે શરુ કરી પરંપરા આજે ઉત્સવમાં પરિવર્તિત થઈ ચૂકી છે. આજે તે ડાંગની ઓળખ બની ચૂકી છે.

આ વર્ષે ડાંગ દરબારમાં ગુજરાત સહિત દેશભરની 40થી વધુ લોકકલા અને શિલ્પ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગુજરાતના રાજ્યપાલની વિશેષ ઉપસ્થિતિમાં અહીં રાજવીઓનું પરંપરાગત સ્વાગત કરવામાં આવે છે. મેળા દરમિયાન રાજવીઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેમ જ દરરોજ સાંજે રંગમંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત થાય છે.

લોકનૃત્યો, સંગીત, પરંપરાગત વાદ્યયંત્રો, કળાકૃતિઓ, હાટબજારો અને હોળી ઉત્સવ સાથે ડાંગ દરબાર જાણે કે એક ઉત્સવ બની રહ્યો છે. ગુજરાતની આદિવાસી પરંપરામાં રુચિ ધરાવનારે આ મેળો અચૂક માણવા જેવો છે.