September 20, 2024

Dasha Mata Vrat 2024: દશામાના વ્રતની આજથી શરૂઆત, જાણો કેવી રીતે કરવી પૂજા

Dasha Mata Vrat 2024: અષાઢવદ અમાસને દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે. મહિલાઓ દ્વારા મોટીસંખ્યામાં દશામાનું વ્રત પરિવારના કલ્યાણ માટે કરે છે. અષાઢ વદ અમાસથી દશામાના દસ દિવસના વ્રતનો પ્રારંભ થશે. જીવનની દશા સુધારવા માટે હજારો પરિવારો ભજન-કિર્તનની રમઝટ સાથે દશામાના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરે છે. તારીખ 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન દશામાના વ્રત કરી ભક્તો પૂજા વિધિ કરી માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરશે અને આશીર્વાદ મેળવશે.

આજે દિવાસાના પર્વને લઈ અમદાવાદ, વડોદરા, ધાનેરા અને મહીસાગર જિલ્લાના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે દિવાસાના દિવસે વહેલી સવારથી ભક્તો દશામાંની મૂર્તિ સહિત અન્ય ખરીદી કરવા બજારોમાં ઉમટ્યા છે. બીજી તરફ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મૂર્તિની કિંમતમાં 10 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

કેવી રીતે કરવુ દશામાનું વ્રત
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત:કાળે સ્નાન કરી, ધૂપ-દીવો કરી, શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી. દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી.

આ વિધિથી કરો પૂજા
દશમાતા વ્રતના દિવસે પીપળના વૃક્ષની પૂજા મુખ્યત્વે ભગવાન વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચા સૂતરના 10 તાંતણા બનાવે છે અને તેમાં 10 ગાંઠ બાંધે છે અને પરિક્રમા કરતી વખતે પીપળને તે બાંધી છે. અને પીપળાના ઝાડની પૂજા કરે છે.પૂજા કર્યા પછી ઝાડ નીચે બેસીને નળ દમયંતીની કથા સાંભળે છે. ઉંબરાની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે અને એક સમયે ભોજન લેવામાં આવે છે. ભોજનમાં મીઠાનો ઉપયોગ થતો નથી. પ્રયત્ન કરો કે દશમાતા પૂજાના દિવસે બજારમાંથી કંઈપણ ન ખરીદો, એક દિવસ પહેલા જ બધી જરૂરી વસ્તુઓ લાવો.