લોકસભા ચૂંટણી માટે BJP અને ચંદ્રબાબૂ વચ્ચે ડીલ ફાઈનલ

નવી દિલ્હી: દક્ષિણ ભારતમાં વધુને વધુ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે. ત્યારે આંધ્રપ્રદેશમાં તેમને સફળતા મળી છે. ભારતીય જનતા પાર્ટીએ આંધ્રપ્રદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP)ની સાથે ગઠબંધનને ફાઈનલ કરી દીધું છે. બંન્ને દળો વચ્ચે થોડા સમયે પહેલા જ ગઠબંધનને લઈને વાત શરૂ થઈ હતી. ત્યારે આજે BJP અને TDP એ લોકસભા ચૂંટણી 2024ને લઈને ડીલ પાક્કી કરી લીધી છે. આ ઉપરાંત સાઉથ સુપરસ્ટાર અને નેતા પવન કલ્યાણની પાર્ટીને પણ NDAમાં સમાવે લેવામાં આવી છે.

ચંદ્રબાબુની પાર્ટી પહેલા પણ એનડીએનો ભાગ રહી ચુકી છે. તેલુગુ દેશમ પાર્ટી કેન્દ્રમાં પણ એનડીએની સાથે કામ કરી ચુકી છે. એ બાદ થોડા સમય માટે ભાજપ અને ટીડીપીની વચ્ચે અંતર આવી ગયું હતું. જે બાદ હવે ફરી બંન્ને પાર્ટીઓ એક સાથે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ભાજપે સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અને રાજનેતા પવન કલ્યાણની પાર્ટીને પણ ચૂંટણીના ગઠબંધનમાં સાથે જોડી દીધા છે. આંધ્રપ્રદેશની સાથે રાષ્ટ્રીય સ્તર પર પણ પવન કલ્યાણની પાર્ટી જનસેનાની સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે.

બેઠકોની વહેંચણી
બીજેપી અને ટીડીપીની વચ્ચે લોકસભા ચૂંટણીને લઈને થયેલા ગઠબંધનથી બંન્ને પાર્ટીઓને ફાયદો થશે તેવી આશા છે. ભાજપ અને ટીડીપીની વચ્ચે થયેલા મિટિંગમાં બેઠકોનો ફોર્મુલા નક્કી થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. માહિતી અનુસાર ભાજપ આંધ્રપ્રદેશમાં લોકસભાની 6 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઊભા રાખશે. તો વિધાનસભાની 20 બેઠકો પર BJP ચૂંટણી લડશે. બીજી તરફ ચંદ્રબાબુ નાયડૂની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી લોકસભાની 16 બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારશે, જ્યારે 3 બેઠક પર જનસેનાના ઉમેદવારો ઊભા રહેશે.