ડીસાની ફટાકડા ફેક્ટરીમાં આગ, જાણો ક્યાંથી-કેવી રીતે આગ લાગી

બનાસકાંઠાઃ ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ અંગે એક્સક્લૂઝિવ માહિતી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, એમોનિયાનો ગેરકાયદેસર જથ્થો રાખવામાં આવ્યો હતો.
દિપક ટ્રેડર્સ પાસે ગોડાઉનમાં સ્ટોરેજ માટેનું જ લાયસન્સ હતું. આ લાયસન્સ પણ વર્ષ 2024માં પૂરું થઈ ગયું હતું. બ્લાસ્ટ થવાથી ગોડાઉનનું RCC કાટમાળ તૂટ્યું હતું. આ કાટમાળ નીચે દબાઈ જતાં મજૂરોનાં મોત નીપજ્યા છે. બ્લાસ્ટને કારણે મૃતકોનાં અવશેષ 200-300 મીટર દૂરથી મળ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
ડીસા GIDCમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે. પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાની કારણે આગ લાગી હોવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. ભીષણ આગ લાગતા 19 લોકોનાં મોત નીપજ્યાં હતા. ત્યારે આગ પર કાબૂ મેળવવા ડીસા, થરા અને પાલનપુર ફાયર ફાઇટરની ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી રહી છે.
ડીસા GIDC વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી છે. જેમાં 20થી 25 શ્રમિકો ગોડાઉનમાં કામ કરતા હતા. આગ લાગતા અંદાજિત 19 શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. 5થી 6 ઘાયલ લોકોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પોલીસ, ફાયર બ્રિગેડ, કલેક્ટર સહિત તમામ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે. હજુ પણ મોતનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ છે.
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, દીપક ટ્રેડર્સની ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી. પોલીસે વીડિયોગ્રાફી સાથે આ ફેક્ટરીનો અભિપ્રાય નેગેટિવ આપ્યો હતો. એલસીબી SOG અને પોલીસની ત્રણ ટીમો આરોપીને શોધવા રાજસ્થાન અને અમદાવાદ રવાના થઈ છે. જવાબદારો સામે એફઆઇઆર થશે અને તેમની સામે કડક કાર્યવાહી થશે. અભિપ્રાય નેગેટિવ હતો એટલે સ્ટોકિષ્ટ પણ ન કહી શકાય અને આ તમામ ફેક્ટરી છે એ ગેરકાયદેસર કહી શકાય.