‘બાબા રામદેવ કંટ્રોલમાં નથી’, તે પોતાની દુનિયામાં રહે છે’, શરબત જેહાદ કેસમાં હાઇકોર્ટની ફટકાર

Sharbat jihad: બાબા રામદેવની હમદર્દ કંપનીના શરબત પર ‘શરબત જેહાદ’ની વિવાદાસ્પદ ટિપ્પણી પર દિલ્હી હાઈકોર્ટે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે. આ ઉપરાંત કોર્ટ અવમાનના નોટિસ જારી કરવાની તૈયારી કરી રહી છે. કોર્ટે પહેલાથી જ રામદેવને હમદર્દ ઉત્પાદનો અંગે કોઈપણ નિવેદન આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

રામદેવે કોર્ટની અવમાનના કરી
દિલ્હી હાઈકોર્ટે આજે ટિપ્પણી કરી કે યોગ ગુરુ બાબા રામદેવ કોઈના કંટ્રોલમાં નથી અને પોતાની દુનિયામાં રહે છે. રામદેવ તેમના શરબત જેહાદ નિવેદન પર કોર્ટના આદેશની અવમાનના માટે દોષિત ઠર્યા હતા. અગાઉ, દિલ્હી હાઈકોર્ટે રામદેવને આદેશ આપ્યો હતો કે ભવિષ્યમાં હમદર્દ ઉત્પાદનો અંગે કોઈ નિવેદન જારી ન કરે કે કોઈ વિડિઓ શેર ન કરે. જસ્ટિસ અમિત બંસલે ગુરુવારે કહ્યું હતું કે 22 એપ્રિલના કોર્ટના નિર્દેશો છતાં રામદેવે વાંધાજનક નિવેદન આપતો વીડિયો જાહેર કર્યો હતો. તે કોઈના કંટ્રોલમાં નથી. તે પોતાની દુનિયામાં રહે છે. નોંધનીય છે કે, હમદર્દ નેશનલ ફાઉન્ડેશન ઈન્ડિયાએ રામદેવ અને તેમની પતંજલિ ફૂડ્સ લિમિટેડ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી અંગે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

છેલ્લી સુનાવણીમાં કડક ચેતવણી આપવામાં આવી હતી
આ પહેલા 22 એપ્રિલે સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે શરબત જેહાદ પર બાબા રામદેવના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ અમિત બંસલે આદેશ જારી કરવાની ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે આનાથી કોર્ટના અંતરાત્માને ઠેસ પહોંચી છે, તેનું કોઈ વાજબી કારણ નથી. કોર્ટે રામદેવનું પ્રતિનિધિત્વ કરતા વકીલને સૂચનાઓ મેળવવા અને આગામી સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. યોગ ગુરુ બાબા રામદેવે 3 એપ્રિલે પોતાની શરબત બ્રાન્ડને પ્રમોટ કરતી વખતે હમદર્દ કંપનીના શરબત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.