November 23, 2024

પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ અરજી પર દિલ્હી હાઇકોર્ટે અરજદારની જ ઝાટકણી કાઢી

Delhi: દિલ્હી હાઇકોર્ટે બુધવારે એક એવી અરજીને ફગાવી દીધી જેમાં પીએમ મોદીને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીને રદ્દ કરતાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે અરજદાર માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગી રહ્યું છે. કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાએ સ્થાનિક SHOને અરજદાર પર નજર રાખવા માટે પણ સૂચના આપી છે. કોર્ટે કહ્યું છે કે જો જરૂર લાગે તો મેન્ટલ હેલ્થકેર એક્ટ હેઠળ અધિકારનો ઉપયોગ કરી શકાશે.

કોર્ટે આ આદેશ ત્યારે આપ્યો જ્યારે કુમારે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય બંધારણ પ્રત્યે વફાદારી રાખવાના ખોટા શપથ લીધા છે. કુમારે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોર્ટે આ આરોપને લઈને તેમને સવાલ કર્યો હતો કે આ શું સાચું છે?

ખંડપીઠે કહ્યું, ‘શું તમે ઠીક છો? તમારી અરજી વાહિયાત છે. વાત એક બાજુથી બીજી બાજુ જઈ રહી છે. આ કોઈને નથી સમજાતું. આનો કોઈ અર્થ નથી.’ કેપ્ટન દીપક કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મોદી અને તેના સહયોગીઓએ 2018માં એર ઈન્ડિયાની ફ્લાઈટના ક્રેશનું ષડયંત્ર રચીને રાષ્ટ્રીય સુરક્ષાને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો તે પાયલટ હતો.

કુમારે કોર્ટ સમક્ષ દલીલ કરતાં આરોપ લગાવ્યો કે મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તેમને લોકસભામાંથી કાઢી મૂકવા જોઈએ.