October 8, 2024

કોણ છે દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી? ઓક્સફર્ડમાંથી અભ્યાસ, કેજરીવાલના વિશ્વાસુ; પતિ કોણ?

Delhi New CM Atishi: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાલકાજી વિધાનસભા બેઠકના ધારાસભ્ય આતિશીને કેજરીવાલની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા અને તેમની પાસે શિક્ષણ, પીડબલ્યુડી જેવા 13 મહત્વના પોર્ટફોલિયો હતા. આતિશીને કેજરીવાલના વિશ્વાસુ માનવામાં આવે છે.

કોણ છે દિલ્હીના નવા સીએમ આતિશી?
આતિશીનો જન્મ 8 જૂન 1981ના રોજ થયો હતો. તેના માતા-પિતા બંને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. પિતાનું નામ વિજય સિંઘ અને માતાનું નામ તૃપ્તા સિંઘ છે. આતિશી પહેલા પોતાનું આખું નામ ‘આતિશી માર્લેના’ લખતી હતી. તેમના નામ પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે. અહેવાલો અનુસાર, તેના પિતા માર્ક્સ અને લેનિનથી પ્રભાવિત હતા અને બંનેને જોડીને તેમની પુત્રીના નામમાં ‘માર્લેના’ ઉમેર્યું હતું. જો કે, 2019ની લોકસભાની ચૂંટણી પહેલા તેમણે નામમાંથી માર્લેનાને હટાવી દીધું હતું. જેથી કરીને એવો ભ્રમ ન ફેલાય કે તે ખ્રિસ્તી છે.

આ પણ વાંચોઃ આતિશી માર્લેના બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય

આતિશીએ ક્યાંથી અભ્યાસ કર્યો?
આતિશીએ પ્રારંભિક શિક્ષણ દિલ્હીની સ્પ્રિંગડેલ સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેણે સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. પછી તે ચિવેનિંગ સ્કોલરશિપ પર ઓક્સફર્ડ યુનિવર્સિટી ગઈ અને ત્યાંથી તેની બીજી માસ્ટર ડિગ્રી મેળવી. આતિશી શરૂઆતથી જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. 2013માં જ્યારે પાર્ટીએ મેનિફેસ્ટો તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરી ત્યારે આતિશીને પણ તેમાં સ્થાન મળ્યું હતું. તેમણે ખાસ કરીને શાળાઓ માટે નીતિઓ બનાવી અને તેનો અમલ પણ કર્યો.

તેઓ રાજકારણમાં કેવી રીતે પ્રવેશ્યા?
આતિશીએ 2015થી 2018 સુધી દિલ્હીના ડેપ્યુટી સીએમ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કર્યું અને બાદમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કાલકાજીના ધારાસભ્ય આતિશી આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ અથવા પીએસીના સભ્ય પણ છે. તેમણે 2019ની લોકસભાની ચૂંટણી પણ લડી હતી. પરંતુ ભાજપના નેતા ગૌતમ ગંભીરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

કોણ છે આતિશીના પતિ?
તેઓ પંજાબી રાજપૂત પરિવારમાંથી આવે છે. તેમનું નામ પ્રવીણ સિંહ છે. પ્રવીણ સંશોધક અને શિક્ષક છે. તેઓ સદભાવના ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પોલિસી જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પ્રવીણ સિંહે IIT દિલ્હીમાંથી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ IIM અમદાવાદમાંથી પણ અભ્યાસ કર્યો છે. તેણે લગભગ 8 વર્ષ કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું. ભારત અને અમેરિકામાં કન્સલ્ટન્સી ફર્મ્સમાં પણ કામ કર્યું. આ પછી તેઓ સમાજ સેવામાં જોડાયા. તે ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે.