September 8, 2024

ગિફ્ટ સિટી મચ્છર-પાણીજન્ય રોગચાળાના ભરડામાં, ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા

મલ્હાર વોરા ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાય સમયથી રોગચાળાએ માઝા મૂકી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે છે છેલ્લા કેટલાય સમયથી પાણીજન્ય રોગથી પીડિત દર્દીઓનો સતત નોંધાઈ રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેતા ગિફ્ટ સિટી ખાતે પણ રોગચાળાએ માઝા મૂકી છે. ગાંધીનગર જિલ્લા સર્વેલન્સ અધિકારી ઇન્ચાર્જ DMO ડૉ. વિક્રમ સોલંકી દ્વારા ગાંધીનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરી અને સામે આવેલા નવા કેસોને લઈને માહિતી આપવામાં આવી છે.

જાણવા મળી રહ્યું છે કે ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં પાણીજન્ય રોગોના કેસમાં વધારો થયો છે. ગિફ્ટ સિટીમાં ગઈકાલે ડેન્ગ્યુના 3 કેસ સામે આવ્યા છે. તો સાથે સાથે, મચ્છરજન્ય ચિકનગુનિયાનો પણ એક કેસ સામે આવ્યો છે.

જિલ્લા સર્વેલન્સ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું છે કે ડભોડાની આરોગ્ય ટીમ દ્વારા 350 લોકો સર્વે કરવામાં આવ્યું હતો. જેમાં, તાવના વધુ 5 કેસ સામે આવ્યા છે. તમામ નવા દર્દીઓના સેમ્પલ લઈને લેબ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. તો મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગો પર નિયંત્રણ માટે પણ કાર્યવાહી કરવામાં આવી. જેમાં, મચ્છર નિકાલ માટે ફોગિંગની કામગીરી પણ કરવામા આવી છે. તો સાથે સાથે, વરસાદને કારણે ભરાતા પાણીને દૂર કરવા નોટિસ પણ આપવામાં આવી છે. વધુમાં, ખુલ્લા વિસ્તારમાં રહેતા શ્રમિકોને મચ્છર દાની પણ આપવામાં આવી હતી.