દ્વારકામાં દોઢ કિલોમીટર લાઇન, ડાકોરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

દ્વારકા, ડાકોરઃ ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના દિવસે દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. જેમ હરિદ્વારમાં ગંગાસ્નાન કરવાનું અનેરૂં મહત્વ છે, તેટલું જ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવાનું અનેરૂં મહત્વ છે. ત્યારે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ ગોમતી સ્નાન કરી ભગવાન દ્વારકાધીશનાં દર્શન કર્યા છે.
હોળી ફૂલડોલોત્સવના પર્વ પર ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા દેશ-વિદેશથી દ્વારકા ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ અગાઉ જ કરી દેવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરથી એક દોઢ કિલોમીટર લાંબી કતારોમાં ભક્તો ઊભા રહી ઠાકોરજીના દર્શન કરવા આતુર છે.
બીજી તરફ, સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ફાગણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. હોળીની પૂનમને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આજના દિવસે બે લાખથી વધુ પગપાળા શ્રદ્ધાળુઓ રાજા રણછોડનાં દર્શને આવ્યા છે. ‘જય રણછોડ, માખણ ચોર’નાં નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આડબંધ બનાવી ભક્તોના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં 44 આડબંધમાં વારાફરતી ભક્તોને મંદિરે દર્શન કરવા માટે જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતભરમાંથી હજારો ભક્તો ડાકોરના ઠાકોરનાં દર્શન કરવા આવી રહ્યા છે.