September 20, 2024

દ્વારકામાં આવેલું છે પૌરાણિક ‘સિદ્ધેશ્વર મહાદેવ’ મંદિર, શ્રીકૃષ્ણ પૂજા કરવા આવતા હતા

વિવેક ચુડાસમા, અમદાવાદઃ દ્વારકાનગરી સાથે કૃષ્ણ પણ જોડાયેલા છે અને શિવ પણ જોડાયેલા છે. દ્વારકા ભગવાન કૃષ્ણએ વસાવ્યું અને ત્યાંથી સ્હેજ દૂર પ્રભાસ તીર્થમાં પ્રાણ ત્યજ્યા. ત્યારે આ જ શ્રાવણ મહિનાના દસમા દિવસે શિવાલયયાત્રા દ્વારકા પહોંચી ગઈ છે. અહીં દ્વારકામાં સિદ્ધનાથ મહાદેવનું શિવાલય આવેલું છે. આવો જાણીએ તેનો ઇતિહાસ…

શું છે પૌરાણિક કથા?
એવું માનવામાં આવે છે કે, આ મંદિર 5200 વર્ષ જૂનું છે. પૌરાણિક માન્યતા અનુસાર, બ્રહ્મકુમારો અર્થાત્ સનકાદિક મુનિઓ દ્વારકાપુરીમાં નિવાસ કરતા હતા. ત્યારે પરમપિતા બ્રહ્માજી અહીં આવ્યા અને તેમણે પોતાના પુત્રોને મહાદેવની નિત્ય પૂજા કરવાનો આદેશ કર્યો. કારણ કે, નીલકંઠ ભગવાનનાં અર્ચન સિવાય હરિ પણ અર્ચન સ્વીકારતા નથી. બહ્માજીના આદેશથી સનકાદિક મુનિઓએ અહીંયા શ્રદ્ધાપૂર્વક શિવલિંગ સ્થાપિત કર્યું. મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ, શિવલિંગના પાછળના ભાગે પાર્વતી માતાજી તથા ડાબી બાજુએ ગંગાજીની અને ભાગ્યે જોવા મળતી કુબેરજીની મૂર્તિ સ્થાપિત છે. મંદિરની પૂર્વ દિશામાં લિંગ આકારની જ્ઞાનવાવ આવેલી છે.

પ્રાંગણમાં આવેલી છે જ્ઞાનવાવ
આ શિવાલયના જ્ઞાનમાં પૌરાણિક જ્ઞાનવાવ આવેલી છે. દર્શનાર્થીઓ મહાદેવને રિઝવવા માટે આ વાવમાંથી જ પાણી લઈને અભિષેક કરે છે. એવી માન્યતા છે કે, આ વાવ મહાભારત વખતની છે. આ જ્ઞાનવાવનું જળ લેવાથી જ્ઞાન વધવાની પણ માન્યતા છે. તેને કારણે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ અહીં દર્શન કરી પરીક્ષા આપવા માટે જાય છે.

કૃષ્ણ પૂજા કરતા હોવાની માન્યતા
ભગવાન કૃષ્ણ પણ અહીં પૂજા કરતા હોવાની પણ લોકવાયકા છે. વર્ષ 1986માં જગતગુરુ સ્વરૂપાનંદર સરસ્વતીજીએ આ મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો હતો. આ મંદિરે દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે. સિદ્ધ થતી હોય છે તેથી આ મહાદેવને સિદ્ધેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.