July 1, 2024

Kalyanpurના સૂર્યાવદર પાસેનો સાની ડેમ ઝડપથી બનાવવા માગ, 110 ગામને ફાયદો

દેવભૂમિ દ્વારકાઃ કલ્યાણપુર અને ઓખા મંડળના 110 ગામો માટે પીવાના પાણીનો મહત્વનો સ્ત્રોત ગણાતો સાની ડેમ છેલ્લા છ વર્ષથી ખાલીખમ છે. ત્યારે ડેમનું નિર્માણ કાર્ય છેલ્લા ઘણા સમયથી અટવાયેલું હતું. છેલ્લા એક વર્ષથી આ ડેમનું કામ ઝડપી ગતિએ હાલ ચાલી રહ્યું છે. ત્યારે કલ્યાણપુર તેમજ ઓખા મંડળના 110 ગામો માટે છેલ્લા 30 વર્ષથી સાની ડેમ પીવાના પાણીની તરસ છુપાવતો આવ્યો છે.

આ ડેમ છ વર્ષ પહેલાં જર્જરીત હાલતમાં હોવાથી તોડી પાડવામાં આવ્યો હતો. આ ડેમ ફરી નવો બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ પૂર્ણ કરવામાં વિલંબ કર્યો અને આ કામ ખોરંભે ચડ્યા બાદ આખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધારાના 9 કરોડ આ ડેમ માટે ફાળવાવામાં આવ્યા હતા.

નવી એજન્સીએ ફરી કામ સોંપાયા બાદ આ ડેમનું નિર્માણ કાર્ય છેલ્લા એક વર્ષથી પૂરજોશમાં ચાલુ હોવાથી આવતા વર્ષે આ ડેમ બની જશે તો 110 ગામોના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઇ જશે. આ સાથે 15થી વધારે ગામોમાં ખેડૂતોના ઘરોમાં પણ સારા દિવસો આવી શકશે. ડેમના પાણીના લીધે ખેડૂતો બે-બે મોસમ લઈ શકતા ડેમ ખાલી હોવાથી ખેડૂતોને કરોડોની નુકસાની વેઠવી પડી છે. ત્યારે આ ડેમના પાયાના લેવલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હોવાથી ડેમનું 50% કામ પૂર્ણ થયું છે. આવતા વર્ષે આ ડેમની કામગીરી પૂર્ણ થાય તેવી આશા સેવાઈ રહી છે.

સૌરાષ્ટ્રના મોટા ડેમોમાં સાની ડેમનો સમાવેશ થાય છે. દૂર સુધી અનેક ગામોના સીમાડાઓ સુધી પથરાયેલા આ ડેમ 6 વર્ષથી ખાલી હોવાથી પીવાના પાણીની તીવ્ર સમસ્યા છે. 110 ગામોને હાલ નર્મદાના પાણી પર નિર્ભર રહેવું પડે છે, ત્યારે સાની ડેમનું કામ જલ્દી પૂર્ણ થાય તેવું સ્થાનિકો માગ કરી રહ્યા છે.