October 16, 2024

દીવમાં નવું નજરાણું, પર્યટકોને મળ્યો નવો સિમ્બોર બીચ

ધર્મેશ જેઠવા, ઉનાઃ પર્યટકોને મળ્યું બીજું દીવ. કેન્દ્ર શાસિત પ્રદેશની એક અવિકસિત જગ્યા કે જ્યાં હવે મળશે દરિયાઈ બીચ અને હોટેલ-રિસોર્ટની સગવડતાઓ.

સૌરાષ્ટ્રમાં લોકો ફરવા આવે એટલે ગીર અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવની અચૂક મુલાકાત લેતા હોય છે. દીવમાં પર્યટકોને ફરવા માટે ખાસ તો કિલ્લો અને દીવના નાગવા બીચ, ઘોઘલા બીચ અને જલંધર બીચની મજા લેવા આવતા હોય છે. આ સિવાય દીવમાં દારૂની પીવાની છૂટ હોવાથી અને દારૂ-બિયર સસ્તો મળતો હોવાથી લોકો વેકેશન અને રજાઓનાં દિવસોમાં પરિવાર સાથે દીવની મુલાકાત લેતા હોય છે. હાલ દીવનો સ્માર્ટ સિટી તરીકે વિકાસ થઈ રહ્યો છે. જેથી આવનારા સમયમાં તેમાં અનેક સગવડતાઓ અને હરવાફરવાના સ્થળોનો સમાવેશ કરવામાં આવશે.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવનો એક અવિભાજ્ય અને અવિકસિત એવો હિસ્સો કે જે આજ સુધી સ્થાનિક લોકો અને પર્યટકોથી અજાણ હતો. આ જગ્યા એટલે સિમ્બોર બીચ. ઉના તાલુકાના સિમર ગામ પાસે આવેલા દરિયાકિનારે આવેલો છે. આ દીવનો જ એક હિસ્સો છે. અહીં ગુજરાતના ઉના તાલુકાના સિમર ગામ તેમજ આજુબાજુના લોકો માછીમારી માટેના દંગા બનાવીને રહેતા હતા. પ્રશંસકે આ જગ્યાને પણ પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનું વિચાર્યું જેથી હવે અહીં એક નવું નજરાણું જોવા મળશે.

દીવ જિલ્લા કલેક્ટરે અહીં ટેન્ટ હાઉસ તરીકે એક રિસોર્ટને ખુલ્લો મૂકી આ બીચના વિકાસના દ્વાર ખોલ્યાં છે. દીવ પ્રશાસનમાં આવતી આ જગ્યામાં અદ્યતન સગવડતાવાળી હોટેલ-રિસોર્ટ અને દારૂના બાર સાથે રેસ્ટોરન્ટને હવે પરવાનગી મળી રહી છે. અહીં પણ અંગ્રેજોના સમયનો એક પ્રાચીન કિલ્લો દરીયામાં આવેલો છે. તેનું સમારકામ કરીને તેને પર્યટકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તેમજ અહીં પણ સુંદર બીચ લોકોને ફરવા મળશે.

આ બીચ સુધી સિમર ગામ આવવા માટેનો દેલવાડાથી 12 કિમીનો રસ્તો છે. સિમર ગામથી આ બીચ એક કિમી દૂર છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના એકથી દોઢ કિમી વિસ્તાર સિવાયનો અહીં ગુજરાતનો વિશાળ દરિયો આશરે 4થી 5 કિમીનો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ આ વિસ્તારનો પર્યટક સ્થળ તરીકે વિકાસ થવાથી ગુજરાતના આ અવિકસિત મોટા બીચને પણ ગુજરાત સરકાર પર્યટક સ્થળ તરીકે વિકાસ કરે તો આ વિસ્તારના લોકોને રોજગારીની તક મળશે. દરિયાઈ વિસ્તારના આ લોકો હાલ ખેતી અને માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે.

હાલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પ્રશાસન દ્વારા આ વિસ્તારને વેગવંતો બનાવવા માટે અને આ બીચ અને જગ્યાનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરી રહી છે, પણ અહીં સુધી સહેલાણીઓને આવવા ગુજરાત રાજ્યના રોડ રસ્તા બહુ સાંકડા છે. તેમજ આ બીચ સુધી પીવાનું પાણી દીવ પ્રશાસન પહોંચાડી શકી નથી. સહેલાણીઓને એક પ્રાઈવેટ બીચનો અહેસાસ થાય તેવી જગ્યા તો મળશે પણ અહી પહોંચવા માટે થોડા સાંકડા રસ્તેથી પસાર થવું પડશે.