July 4, 2024

‘કર્તવ્ય નીભાવો અને આપણા લોકતંત્રને મજબૂત કરો’, મતદાનને લઇ PM મોદીએ કરી અપીલ

નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા હેઠળ આજે ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. PM મોદીએ ચોથા તબક્કામાં મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, “લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આજે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મને વિશ્વાસ છે કે આ તમામ બેઠકો પર લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે. જેમાં યુવાનો અને મહિલા મતદાતાઓ બહુમતીમાં હશે – ચાલો આપણી ફરજ બજાવીએ અને લોકશાહીને મજબૂત કરીએ.

 

આ સાથે પીએમ મોદીએ કહ્યું કે હું આંધ્રપ્રદેશના લોકોને ખાસ કરીને પહેલીવાર મતદારોને વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું. આશા છે કે આ ચૂંટણીઓ આપણી લોકશાહી ભાવનાને વધુ વધારશે. પીએમએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે ઓડિશામાં આજથી વિધાનસભા ચૂંટણી શરૂ થઈ રહી છે. હું આ રાજ્યના લોકોને અપીલ કરું છું કે તેઓ મોટી સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરે. તમારો મત તમારો અવાજ છે – તેને મોટેથી અને સ્પષ્ટ સાંભળવા દો. આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સહિત 10 રાજ્યોની કુલ 96 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

આ ઉપરાંત આંધ્ર પ્રદેશ વિધાનસભાની તમામ 175 બેઠકો અને ઓડિશા વિધાનસભાની 28 બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીના ચોથા તબક્કામાં મેદાનમાં રહેલા મુખ્ય ઉમેદવારોમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્ર સરકારના મંત્રી ગિરિરાજ સિંહ બિહારની બેગુસરાય લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. નિત્યાનંદ રાય ઉજિયારપુરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક પરથી ઉમેદવાર છે. પંકજા મુંડે મહારાષ્ટ્રના બીડથી ચૂંટણી લડી રહી છે. AIMIMના અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદથી ચૂંટણી લડી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વાયએસ શર્મિલા કડપા લોકસભા સીટ પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.