અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો – ભારત અમેરિકન ઉત્પાદનો પર ડ્યુટી ઘટાડવા તૈયાર

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ભારે ટેરિફ લાદે છે, જેના કારણે ભારતમાં અમેરિકન ઉત્પાદનો વેચવાનું મુશ્કેલ બને છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, ભારત તેની વેપાર પદ્ધતિઓને કારણે અમેરિકાને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. આ સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે, હવે ભારતે આ વાતની નોંધ લીધી છે અને તેઓ તેમના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા તૈયાર છે.
અમેરિકાનું અન્ય દેશો દ્વારા શોષણ કરવામાં આવ્યું છે: ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકાનું અન્ય દેશો દ્વારા શોષણ કરવામાં આવ્યું છે અને આ હવે બંધ થવું જોઈએ. ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેઓ કહે છે કે તેઓ તેને ફરીથી બંધ કરશે. તેમણે કહ્યું કે, અમેરિકાએ આર્થિક, નાણાકીય અને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ઘણું નુકસાન સહન કર્યું છે.
અમેરિકાનું શોષણ કરનારાઓ માટે સમય પૂરો: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેમના નેતૃત્વમાં દેશોનું શોષણ ખુલ્લું પડી ગયું છે અને હવે આ સમસ્યાનો ઉકેલ આવી રહ્યો છે. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, તેઓ તેમના પહેલા કાર્યકાળ દરમિયાન થયેલા વેપાર કરારોને ફરીથી કડક બનાવવાની યોજના બનાવી રહ્યા છે. જેથી અમેરિકાને વધુ લાભ મળે. તેમનું કહેવું છે કે, જે દેશોએ અત્યાર સુધી અમેરિકાનું શોષણ કર્યું છે તેમનો સમય પૂરો થઈ ગયો છે.