ડોનાલ્ડ ટ્રમ્પે વધારેલું ટેરિફ હીરાની ચમક ઘટાડશે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીને વધુ મુશ્કેલી થાય તેવી શક્યતા

અમિત રુપાપરા, સુરતઃ શહેરનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. તેવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરીફને લઈને જે પ્રકારે આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તેને લઈ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી વધુ મુશ્કેલીમાંથી પસાર થાય તો નવાઈ નહીં. કારણ કે, અમેરિકાના રાષ્ટ્રપતિએ ટેરીફ બાબતે જે રીતે આકરું વલણ અપનાવ્યું છે. તેને લઈને ડાયમંડ ઉદ્યોગ તેમજ જ્વેલરી ઉદ્યોગ ઉપરાંત ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરીફની જાહેરાત જે પ્રકારે કરવામાં આવી રહી છે. તેને લઈને શેર બજાર પણ સતત ડાઉન જઈ રહ્યું છે. બીજી તરફ ભારતમાં જેટલા પણ ડાયમંડ તૈયાર થતા હતા. તેને અમેરિકામાં ઈમ્પોર્ટ કરવામાં આવતા હતા. ત્યારે ઈમ્પોર્ટેડ ડ્યુટી ઝીરો હતી પરંતુ હવે ટેરીફના કારણે આ ઈમ્પોર્ટેડ ડ્યુટી 26% થઈ છે.
બીજી તરફ જ્વેલરી પર ડ્યુટી 6% હતી તેને વધારીને 32 ટકા કરી દેવામાં આવી છે. એટલે ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારી તેમજ ઉદ્યોગકારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોટાભાગના હીરા સુરતમાં તૈયાર થઈ રહ્યા છે અને સુરત તેમજ મુંબઈથી આ હીરાનું એક્સપોર્ટ થાય છે. ત્યારે ટેરીફના કારણે હીરા ઉદ્યોગ આગામી દિવસોમાં મુશ્કેલીમાં મુકાય તેવી આશંકા સુરતના હીરા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.
ડાયરેક્ટ ભારતથી ડાયમંડ અમેરિકા મોકલવામાં આવે તો તેના પર ડ્યુટી 26% લાગે છે, પરંતુ ભારતના વેપારી પહેલા દુબઈ અને ત્યારબાદ અમેરિકા માલ મોકલે તો દુબઈથી મોકલેલા માલમાં ડ્યુટી 10%ની લાગે એટલે ડાયમંડ ઉદ્યોગકારો દુબઈને એક્સપોર્ટનું સેન્ટર બનાવી શકે છે. પરંતુ આ તમામ વચ્ચે ભારત પહેલા ઝીરો ડ્યુટીમાં અમેરિકા સાથે ડાયમંડનો વેપાર કરતો હતો, પરંતુ હવે તેમાં વેપાર થશે નહીં. ડ્યુટી સીધી 26% કરી દીધી હોવાના કારણે મુશ્કેલીનો સામનો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને કરવાનો થશે.