દુબઈના ક્રાઉન પ્રિન્સ ચોથી વખત પિતા બન્યા! દીકરીનું નામ એવું રાખ્યું કે જેની ચર્ચા સમગ્ર દુનિયામાં થવા લાગી

Dubai Crown Prince Sheikh Hamdan Become Father: દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ ચોથી વાર પિતા બન્યા છે. બુધવારે (26 માર્ચ) શેખ હમદાનની પત્ની શેખા શેખે એક પુત્રીને જન્મ આપ્યો. તેમણે પોતાની દીકરીનું નામ ‘હિંદ’ રાખ્યું છે. આ નામ દુબઈ શાહી પરિવારની પરંપરાના ભાગ રૂપે શેખ હમદાનની માતા, હિંદ બિંત મક્તૂમ બિન જુમાના સન્માનમાં રાખવામાં આવ્યું છે.

શેખ હમદાને તેમની પુત્રી હિંદના જન્મના થોડા કલાકો પછી જ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ખુશખબર શેર કરી. પોસ્ટમાં, તેમણે તેમની પુત્રીના સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી. તેમની પોસ્ટને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ અને અભિનંદન મળ્યા હતા.

શેખ હમદાનના લગ્ન અને પરિવાર
ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનના લગ્ન 6 વર્ષ પહેલા તેમની પિતરાઈ બહેન શેખા શેખ સાથે થયા હતા. દુબઈના શાહી પરિવારનો ભાગ હોવા છતાં, શેખા શેખનું અંગત જીવન ખૂબ જ ખાનગી રહ્યું છે. શેખ હમદાન અને શેખા શેખને પહેલાથી જ ત્રણ બાળકો છે. 2021 માં જન્મેલા ટ્વિન્સ શેખા અને રાશિદ અને 2023માં જન્મેલા પુત્ર મોહમ્મદ બિન. હવે, તેમની પુત્રી હિંદનું પરિવારમાં ચોથા બાળક તરીકે સ્વાગત કરવામાં આવ્યું છે.

રાજવી પરિવારની નામકરણ પરંપરા
દુબઈના શાહી પરિવારમાં, નવજાત બાળકોના નામ પરિવારના વૃદ્ધ સભ્યોના માનમાં રાખવામાં આવે છે. શેખ હમદાને પણ આ જ પરંપરાનું પાલન કર્યું અને પોતાની પુત્રીનું નામ પોતાની માતા હિંદ બિંત મક્તૂમ બિન જુમાના નામ પરથી રાખ્યું. આ પરંપરા રાજવી પરિવારના સાંસ્કૃતિક મૂળને દર્શાવે છે, જ્યાં સન્માન અને વારસાને વિશેષ મહત્વ આપવામાં આવે છે.