July 2, 2024

Dwarkaના મોજપ દરિયાકિનારેથી ફરીવાર લાખોનું ડ્રગ્સ ઝડપાયું, ત્રણ દિવસમાં બીજી ઘટના

દ્વારકાઃ જિલ્લામાં આવેલા મોજપ દરિયાકિનારેથી 42 લાખની કિંમતનો 850 ગ્રામ ચરસ બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. દ્વારકાના દરિયાકિનારે ત્રણ દિવસ બાદ ફરી બિનવારસી હાલતમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે. ડ્રગ્સ માફિયાઓ માટે દ્વારકાનો દરિયો કેન્દ્ર બન્યો હોય તેવું લાગી રહ્યું છે.

અવારનવાર દ્વારકાના દરિયાકિનારે ડ્રગ્સ અને ચરસ મળતા ચકચાર મચી ગઈ છે. દરિયાકિનારેથી બિનવારસુ જથ્થા મળી આવતા ડ્રગ્સ માફિયાઓ સુરક્ષા એજન્સીઓ માટે પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગે છે. બે દિવસ પહેલાં વરવાળામાંથી 16 કરોડથી વધુ કિંમતનું 30 કિલો બિનવારસી ચરસ મળી આવ્યું હતું. પોલીસ અને કોસ્ટગાર્ડ સહિત દરિયામાં પેટ્રોલિંગ કરતી બોટોને અંધારામાં રાખી દ્વારકાના દરિયાકિનારા કેવી રીતે નશાનો કાળો કારોબાર પહોંચી રહ્યો છે તે તપાસનો વિષય છે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ સાવધાન! છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, હવામાન વિભાગની મોટી આગાહી

ગઈકાલે કચ્છના દરિયાકિનારેથી મળ્યું હતું ચરસ
ઘડુલી-પિંગલેશ્વરના દરિયાકિનારે આવેલી બાવળની ઝાડીમાંથી ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. કોઠારા પોલીસને મહત્વની માહિતી મળી હતી અને તેને આધારે તેમણે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બાવળની ઝાડીમાંથી ચરસના 10 પેકેટ્સ જપ્ત કર્યા છે. માર્કેટમાં તેની અંદાજે કિંમત 5.34 કરોડ થાય છે. હાલ દરિયામાંથી મળેલા ડ્રગ્સને પગલે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ નવા ચૂંટાયેલા પાંચ MLAની શપથવિધિ, મોઢવાડિયા-ધર્મેન્દ્રસિંહે લીધા શપથ

આ પહેલાં દ્વારકામાંથી પકડાયું હતું ડ્રગ્સ
દ્વારકામાંથી 25 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. દ્વારકા SOG તેમજ દ્વારકા પોલીસની ટીમોએ બંદર વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે ચરસ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેની બજારમાં અંદાજે કિંમત 10થી 15 કરોડ રૂપિયા હોવાની શક્યતા છે. દરિયામાંથી તરતા પેકેટ્સ મળી આવ્યા હતા. ત્યારે પોલીસે આ બિનવારસી વસ્તુ કબ્જે કરી હતી અને ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી આપી હતી.