“તેરા તુજકો અર્પણ”, મહાશિવરાત્રિ પૂર્વે ગુમ થયેલ શિવલિંગને દ્વારકા પોલીસે પૂજારીને પરત કર્યું

દ્વારકા: દ્વારકાના પવિત્ર યાત્રાધામ હર્ષદ ખાતે આવેલ પૌરાણિક ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી મહાશિવરાત્રિનાં આગલા દિવસે ગુમ થયેલા શિવલિંગને દેવભૂમિ દ્વારકા પોલીસે પૂજારીને પરત કર્યું હતું.
“તેરા તુજકો અર્પણ” દ્વારકાના પવિત્ર યાત્રાધામ હર્ષદ ખાતે આવેલા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી થયેલ શિવલિંગ ચોરીને દેવભૂમિ દ્વારકા પોલીસની સહરાનિય કામગીરીથી હિંમતનગરના એક ગામમાંથી કુલ 11 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા અને હેમખેમ શિવલિંગ લાવી આજે સમસ્ત ગ્રામજનો અને શિવભક્તોની હાજરીમાં પૂજારીને અર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે મંદિરના પૂજારીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, અમને દેવભૂમિ દ્વારકા પોલીસ પર ગર્વ છે તેમજ શિવભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ખાતે આવેલા અર્ધનારેશ્વર શ્રી ભીડભંજન ભવાનીશ્વર મહાદેવમાં તારીખ 25ના શિવલિંગ અને થાળા સહિત ચોરી થયેલ હતી. તે શિવલિંગને શોધવા માટે દેવભૂમિ દ્વારકા પોલીસ વડા નીતીશ પાંડેની આગેવાની નીચે પોલીસની બધી ટીમ દ્વારા છેક અહીંથી 540 કિલોમીટર હિંમતનગરનું મેળા ટીંબી ગામેથી શિવલિંગ લઈ અને સહી સલામત આજે તેરા તુજકો અર્પણ પોલીસનો જે પ્રોગ્રામ છે તેમાં સર્વ પ્રથમ જેની કોઈ કિંમત ના આપી શકાય એવા દેવાથીદેવ મહાદેવનું શિવલિંગ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ પુજારીને અર્પણ કર્યું અને હવે અહીં જે હર્ષદ માતાનું મંદિર છે ત્યાંથી ધામધૂમપૂર્વક શિવલિંગને ફરીથી મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. પૂજારી તથા સમગ્ર ગ્રામજનો ભક્તજનો દ્વારા પોલીસ પરિવાર અને મીડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ભક્તજનોમાં આનંદની હેલી ઉમટી પડી હતી.