December 18, 2024

અંકલેશ્વર GIDCના ડાઇઝ અને પીગમેન્ટ ઉદ્યોગો આર્થિક કટોકટીમાં સપડાયા

જય વ્યાસ, ભરૂચ: અંકલેશ્વર GIDCના ડાઇઝ અને પીગમેન્ટ સહિતના અન્ય ઉદ્યોગકારો હાલ વૈશ્વિક આર્થિક કટોકટીની ઝપેટમાં આવી ગયા છે. બાંગ્લાદેશમાં વર્તમાન પરિસ્થિતિને કારણે ટેકસટાઈલ ઉદ્યોગોને સંલગ્ન ડાઇઝ, રંગ રસાયણ સહિતના સ્થાનિક ઉદ્યોગ એકમો અવઢવમાં મુકાઇ ગયા છે.

અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના રંગ રસાયણનું ઉત્પાદન કરી બાંગ્લાદેશ સહિત અન્ય દેશોમાં નિકાસ કરતા ઉદ્યોગો પ્રતિ માસ અંદાજે 100 થી 150 કરોડની નિકાસ કરતા આવ્યા છે. ત્યારે હાલમાં પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં ગૃહ યુદ્ધની અત્યંત સ્ફોટક પરિસ્થિતિ તેમજ રાજકીય અસ્થિરતાના વાતાવરણમાં નિકાસ કરવી કે નહીં, ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવી કે નહિ,અત્યાર સુધી કરી દીધેલ નિકાસનું આર્થિક વળતર મળશે કે કેમ જેવી અવઢવમાં મુકાય ગયા છે.આવી પરિસ્થિતિમાં આ પૈકીના સ્થાનિક ઉધોગ એકમો પૈકી અનેક એકમોએ નાછુટકે ઉત્પાદન બંધ કરવાની નોબત આવી પડી છે.

અગાઉ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક ઉદ્યોગ જગતમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ક્રૂડ ઓઇલ ઉપરાંત સંખ્યાબંધ કેમિકલ રો મટીરીયલના ભાવો આસમાને પહોંચ્યા હતા.યુદ્ધને કારણે આયાત નિકાસના યાતાયાતને પણ ભારે નુકશાન પહોંચ્યુ હતુ ત્યાં બાંગ્લાદેશમાં વર્તમાન કટોકટીએ સ્થાનિક ડાઇઝ સહિતના કેમિકલ ઉદ્યોગો ઉપર પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ સર્જી દીધી છે. જાણકાર સુત્રોના મતે આ ઉદ્યોગો પણ આવી પરિસ્થિતિ યથાવત રહી તો મેદાન છોડી શકે છે ત્યારે સરકાર કોઈ પોલિસી બનાવી આવા ઉદ્યોગોને મૃત:પાય અવસ્થામાંથી બચાવી શકે તેવો આશાવાદ સ્થાનિક ઉદ્યોગ જગત રાખી રહ્યુ છે.

બાંગ્લાદેશ ગૃહયુદ્ધ , રશિયા યુક્રેન યુદ્ધ સહિતની વૈશ્વિક પરિસ્થિતિના કારણે ટેક્સટાઇલ બેઇઝડ ઉદ્યોગોની નિકાસ પર વ્યાપક અસર પહોંચી છે ત્યારે ભારત સરકારે કોરોના સમયમાં ઉદ્યોગોને બેઠા કરવા જે પોલીસી આપનાવી હતી એ પોલીસી અપનાવવામાં આવે એવી ભરૂચ અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ માંગ કરી રહ્યા છે.બાંગ્લાદેશમાં ડાઈઝ અને પીગમેન્ટ સાથે ફાર્મા પ્રોડક્ટની પણ નિકાસ થાય છે ત્યારે ફાર્મા ઉદ્યોગને પણ આ પરિસ્થિતિના કારણે ફટકો પડયો છે.