November 22, 2024

મધ્યપ્રદેશના હરદામાં ધરતી ધ્રુજાવી દે તેવો બ્લાસ્ટ, 60 ઘરોમાં લાગી આગ

Harda Blast: ગેરકાયદેસર ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો છે. માહિતી અનુસાર આ ગેરકાયદેસર ફેક્ટરીમાં લગભગ 15 ટન વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થવા લાગ્યા. આ અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી બાજુ આ આગને કારણે 60 થી વધુ ઘરોમાં આગ પણ લાગી છે. આ દુર્ઘટનામાં ડઝનબંધ લોકો દાઝી ગયા છે. તેમને સ્થાનિક હોસ્પિટલ તેમજ ભોપાલ અને ઈન્દોરની હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે મુખ્યમંત્રીએ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને હેલિકોપ્ટર દ્વારા હરદા મોકલ્યા છે. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.

ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ
મગરધા રોડ પર આવેલા બૈરાગઢ ગામમાં આ ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી. મંગળવારે સવારે 10.30 થી 11 વાગ્યાની વચ્ચે અચાનક જોરદાર જ્વાળાઓ સાથે વિસ્ફોટ થયા હતા. ધીમે ધીમે આગની તીવ્રતા વધતી ગઈ અને તેનો પડઘો આખા શહેરમાં સંભળાવા લાગ્યો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકોમાં અફડાતફડી મચી ગઇ અને દોડવા લાગ્યા હતા. આ ઘટનાને કારણે 100 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીની અંદર 15 ટન ગનપાઉડર રાખવામાં આવ્યો હતો.

ઘાયલોની સંખ્યા પણ વધી શકે
હાલ 25 ઘાયલોને હરદા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમની સંખ્યા પણ વધી શકે છે. માહિતી અનુસાર ફેક્ટરીની અંદર ડઝનબંધ મજૂરો કામ કરી રહ્યા હતા. જેના વિશે કોઈ હાલ સમાચાર નથી. અત્યારે પણ અવાર-નવાર ત્યાં વિસ્ફોટો થઈ રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ હજુ સુધી અંદર પહોંચી નથી. ત્યાં આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે.